(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
ફોર્બ્સ અને આઈએમડીબી દ્વારા 2024ના સૌથી મોંઘા ફિલ્મ કલાકારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં ફિલ્મ દીઠ રૂ. 15થી 30 કરોડ સુધીની ફી લઈને દીપિકા ટોચ પર છે. તેના પછી બીજા નંબરે કંગના રણૌત છે. જેણે આ વર્ષે 15થી 25 કરોડ સુધીની ફી વસુલી છે.
આ યાદીમાં 15 કરોડથી 25 કરોડની ફી સાથે પ્રિયંકા ચોપરા જોનસ ત્રીજા નંબરે, કેટરિના કૈફ ચોથા નંબરે અને રૂ. 10થી 20 કરોડની એક ફિલ્મ સાથે આલિયા પાંચમા નંબરે છે. આ ઉપરાંત આ યાદીમાં 8થી 18 કરોડની ફી લેતી કરીના કપૂર ખાન, 7થી 15 કરોડની ફી સાથે શ્રદ્ધા કપૂર તેમજ ફિલ્મ દીઠ 8થી 14 કરોડની ફી સાથે વિદ્યા બાલનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં છેલ્લા અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય હતાં. અનુષ્કા ફિલ્મ દીઠ 8થી 12 કરોડની ફી લે  છે, જ્યારે ઐશ્વર્યા એક ફિલ્મના 10 કરોડ માગે છે.
જ્યારે અભિનેતાઓમાં આ યાદીમાં શાહરુખ ખાન મોખરે છે. શાહરુખ ખાને ગત 2023માં ત્રણ હિટ ફિલ્મો આપી હતી. તેણે આવકમાં આમીર ખાન, સલમાન ખાન, અક્ષયકુમાર સાથે સાઉથના સુપર સ્ટાર રજનીકાંત, પ્રભાસ, થલાપથિ વિજય અને અલ્લુ અર્જૂનને પણ પાછળ રાખી દીધાં છે. આ ટોપ 10ની યાદીમાં આ વખત અમિતાભ બચ્ચનનો સમાવેશ થયો નથી.
જ્યારે સૌથી મોંઘા અભિનેતાની યાદીમાં શાહરુખ ખાન ફિલ્મ દીઠ રૂ. 150 કરોડથી 250 કરોડ જેટલી ફી સાથે મોખરે છે. તેના પછીના ક્રમે તમિલ સુપરસ્ટાર રજનીકાંત છે, જે એક ફિલ્મ માટે 150થી 210 કરોડની ફી વસૂલે છે. ત્રીજા નંબરે થલાપતિ વિજય છે, તે 130 કરોડથી 200 કરોડ ચાર્જ કરે છે. તેના પછી પ્રભાસ છે જે એક ફિલ્મ માટે 100થી 200 કરોડ રૂપિયા લે છે. ત્યારપછી 100થી 175 કરોડની ફી સાથે આમીર ખાન પાંચમા સ્થાને અને 100થી 150 કરોડ ફી સાથે સલમાન ખાન છઠ્ઠા સ્થાને છે. સાતમા નંબરે કમલ હસન છે, અને આઠમા સ્થાને અલ્લુ અર્જૂન છે, જે એક ફિલ્મના 100થી 125 કરોડ વસૂલે છે. અક્ષયકુમાર અને સાઉથનો અજિથ કુમાર છેલ્લા નવમા અને દસમા નંબરે છે. અક્ષયકુમાર ફિલ્મ મુજબ 60 કરોડથી 145 કરોડ જેટલી ફી વસૂલતો હોવાનું માનવામાં આવે છે, જ્યારે અજીથ 105 કરોડ લે છે.
ભારતમાં સૌથી વધુ ફી વસૂલતા એક્ટર્સમાં વધારે દબદબો સાઉથના એક્ટર્સનો જોવા મળે છે. રાષ્ટ્રવ્યાપી ફિલ્મોના આ સમયમાં પ્રભાસ-અલ્લુ જેવા ઘણાં સ્ટાર્સે પોતાની ફી વધારી દીધી છે. બિઝનેસ ઇનસાઇડરનો એક રીપોર્ટ પણ દાવો કરે છે કે શાહરૂખ ખાનની નેટવર્થ અંદાજે રૂ. 6300 કરોડ છે. આમિરની 1862 કરોડ, સલમાનની 2900 કરોડ અને અક્ષય કુમારની નેટવર્થ 2500 કરોડની છે. સાઉથમાં રજનીકાંતની નેટવર્થ લગભગ 430 કરોડ છે, વિજયની 474 કરોડ અને પ્રભાસની 348.55 કરોડ હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY