ટી-20 વર્લ્ડકપની સુપર-8ની મેચમાં ગુરુવાર, 20 જૂને બ્રિજટાઉનમાં સુર્યકુમાર યાદવની શાનદાર બેટિંગ અને બુમરાહની વેધક બોલિંગને પગલે ભારતે અફધાનિસ્તાનની 47 રન પરાજ્ય આપ્યો હતો. ટોસ જીતને ભારતે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 181 રન બનાવ્યાં હતાં. જોકે અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 134 રન બનાવી શકે છે. ભારતની આગામી સુપર 8 મેચ બાંગ્લાદેશ સામે શનિવાર, 22 જૂને એન્ટિગુઆમાં રમાશે.
મેન ઓફ ધ મેચ સૂર્યકુમાર યાદવે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 53 રનનો સિંહફાળો આપ્યો હતો. ત્યારબાદ ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંઘે મોરચો સંભાળતા ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને અફઘાનિસ્તાને ઓલ-આઉટ કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
અફઘાનિસ્તાન 182 રનના લક્ષ્યનો પીછો કરતા બેટ્સમેનોએ ખરાબ શોટ પસંદ કરતા ટપોટપ વિકેટ પડવાનો ક્રમ યથાવત્ રહ્યો હતો. ઓપનર ગુરબાઝે (11) અર્શદીપની પ્રથમ ઓવરમાં છગ્ગો અને ચોગ્ગો ફટકાર્યા બાદ મેચની બીજી ઓવર ફેંકવા આવેલા બુમરાહના બોલને રમવા જતા વિકેટ પાછળ ઝડપાયો હતો.અક્ષર પટેલે ઈબ્રાહિમ ઝાદરાન (8)ને રોહિતના હાથે કેચ આઉટ કરાવ્યાની બીજી જ ઓવરમાં બુમરાહે હઝરતુલ્લાહ (2)ને પોતાનો બીજો શિકાર બનાવીને અફઘાન ટીમન ટોચના ક્રમને ધ્વસ્ત કર્યું હતું. પાવરપ્લેમાં અફઘાનનો સ્કોર ત્રણ વિકેટે 35 રન રહ્યા. અઝમતુલ્લાહ ઓમરઝઈ 26 રન સાથે અફઘાનનો સર્વાધિક રન કરનાર બેટ્સમેન રહ્યો હતો. અફઘાનિસ્તાને તેની અંતિમ પાંચ વિકેટ 63 રનમાં ગુમાવી હતી. અર્શદીપે ઈનિંગ્સના છેલ્લા બોલ પર નૂર (12)ને આઉટ કરીને ભારતને સુપર-8માં પ્રથમ જીત અપાવી હતી.
ભારત તરફથી રોહિત (8), પંત (20) અને કોહલી (24) બાદ શિવમ દુબે (10) મોટી ઈનિંગ્સ રમી શક્યો નહતો. સૂર્યકુમારે એક છેડો સંભાળી રાખ્યો હતો અને ટી20માં તેની ક્ષમતા મુજબ ફટકાબાજી કરવાની ચાલુ રાખી હતી. સૂર્યકુમાર અને હાર્દિક (32) વચ્ચે પાંચમી વિકેટ માટે 60 રનની પાર્ટનરશિપ થઈ હતી અને ભારત 150ને પાર પહોંચી શક્યું હતું. અક્ષર (12)એ ઉપયોગી ઈનિંગ્સ રમીને ભારત માટે 181નો લડાયક સ્કોર ખડો કર્યો હતો. અફઘાન તરફથી ફારૂકી અને રાશિદે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે નવીને એક વિકેટ ઝડપી હતી.