વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુરુવાર, 20 જૂન, 2024, નવી દિલ્હીમાં યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથેની બેઠક દરમિયાન. (PTI Photo)

યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ગુરુવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેના સભ્યોએ વડાપ્રધાન મોદીને સતત ત્રીજા કાર્યકાળ માટે ચૂંટાઈ આવવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે ભારતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીના વ્યાપ અને પારદર્શિતા માટે ભરપુર પ્રશંસા કરી હતી, એમ પીએમઓ જણાવ્યું હતું.

હાઉસ ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન માઈકલ મેકકોલની આગેવાની હેઠળના સાત સભ્યોના પ્રતિનિધિમંડળે ભારત-યુએસ સંબંધોને “સૌથી વધુ પરિણામસ્વરૂપ સંબંધો” ગણાવ્યા હતાં. પ્રતિનિધિમંડળે મોદીને વેપાર, નવી અને ઉભરતી ટેક્નોલોજી, સંરક્ષણ અને લોકો વચ્ચેના આદાનપ્રદાન સહિતના તમામ ક્ષેત્રોમાં વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સમર્થન આપ્યું હતું.

યુએસ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ મંગળવારે હિમાચલ પ્રદેશની ધર્મશાળા પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળે બુધવારે તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામા સાથે પણ મુલાકાત કરી હતી.

મેકકોલ ઉપરાંત, પ્રતિનિધિમંડળમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી, મેરિયનેટ મિલર, ગ્રેગરી મીક્સ, નિકોલ માલિયોટાકિસ, જિમ મેકગોવર્ન અને અમી બેરાનો સમાવેશ થતો હતો.

PMOએ જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળના સભ્યોએ વડાપ્રધાનને સતત ત્રીજી વખત ચૂંટાઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. તેઓએ ભારતમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી કવાયતના વ્યાપ, નિષ્પક્ષતા અને પારદર્શિતા માટે પ્રશંસા કરી હતી.

મોદીએ ભારત-યુએસ સંબંધોને આગળ વધારવામાં યુએસ કોંગ્રેસના સાતત્યપૂર્ણ અને દ્વિપક્ષીય સમર્થનનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાના સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, કાયદાના શાસન અને લોકો સાથે લોકોના  સંબંધો આધારિત છે. તેમણે વૈશ્વિક સારા માટે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

LEAVE A REPLY