ગુજરાતમાં 21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પાકિસ્તાન સરહદ નજીક આવેલા બનાસકાંઠાના જિલ્લાના નડાબેટ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના અનેક પ્રધાનો અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ હાજરી આપી હતી. નડાબેટ ખાતે પ્રથમ વખત રાજ્ય કક્ષાની યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. યોગ કાર્યક્રમનું આયોજન રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ સંયુક્ત રીતે કર્યું હતું.
આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે આ પ્રાચીન ભારતીય પરંપરાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં 51 ‘યોગ સ્ટુડિયો’ સ્થાપવાની જાહેરાત કરી હતી. નડાબેટ ખાતે યોગ સહભાગીઓને તેમના સંબોધનમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે યોગ આજે વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યા છે. રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને લોકપ્રિય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે અમે લોકોને વન-સ્ટોપ હેલ્થ સોલ્યુશન પ્રદાન કરવા માટે 51 રાજ્ય સંચાલિત યોગ સ્ટુડિયોની સ્થાપના કરવાની યોજના બનાવી રહ્યા છીએ. ગુજરાત સરકાર યોગને રાજ્યના ખૂણે ખૂણે લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.
મુખ્યપ્રધાન પટેલે કહ્યું હતું કે યોગ એ આજના તણાવપૂર્ણ જીવનનો શ્રેષ્ઠ ઉકેલ છે અને પીએમ મોદીના નેતૃત્વમાં તે એક જાહેર અભિયાન બની ગયું છે. કોરોના મહામારી પછી ભારતના પ્રાચીન વારસા પ્રત્યે લોકોનો અભિગમ ધરમૂળથી બદલાઈ ગયો છે. યોગ હવે કોરોનાવાયરસ સામે લડવાના શસ્ત્ર તરીકે વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન, જ્યારે લોકો ઘરની અંદર રહ્યા, ત્યારે તેઓ યોગાસનો કરીને સ્વસ્થ રહ્યાં હતા. તેનાથી લોકોને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને તેમના ફેફસાંને મજબૂત કરવામાં મદદ મદદ મળી હતી.
શુક્રવારે રાજ્યભરમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમોમાં લગભગ 1.25 કરોડ લોકોએ ભાગ લીધો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અન્ય સહભાગીઓ સાથે અમદાવાદના સિંધુ ભવન રોડ પરના એક જાહેર બગીચામાં યોજાયેલા એક કાર્યક્રમમાં યોગ કર્યા હતા. કેન્દ્રીય જલ શક્તિ પ્રધાન સીઆર પાટીલે સુરતમાં યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અન્ય પ્રધાનો, ધારાસભ્યો, સાંસદો અને ભાજપના હોદ્દેદારોએ પણ રાજ્યભરમાં યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.