વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 21 જૂને 10મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જમ્મુ અને કાશ્મીરમાં કરી હતી. શ્રીનગરના દાલ સરોવરના કિનારે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન કોમ્પ્લેક્સમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ યોગાસન કર્યા હતાં. આ વર્ષની થીમ, “સ્વ અને સમાજ માટે યોગ” હતી.
સમગ્ર કાશ્મીર ખીણમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. દાલ સરોવરની આસપાસ પણ વરસાદ પડ્યો હતો. મોદીએ શ્રીનગરમાં વરસાદને કારણે ઓછી સંખ્યામાં મહેમાનોની સાથે ઇન્ડોર હોલમાં અલગ-અલગ યોગાસનો કર્યા હતાં. આ કાર્યક્રમમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને આયુષ પ્રધાન પ્રતાપરાવ ગણપતરાવ જાધવ સહિત અન્ય લોકો હાજરી આપી રહ્યાં છે.
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અહીં વડાપ્રધાન હાજરી સમગ્ર કાશ્મીર ખીણ માટે સન્માનની બાબત છે. વડાપ્રધાનનું જમ્મુ અને કાશ્મીર સાથે વિશેષ જોડાણ છે, જેના કારણે તેમણે શ્રીનગરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું પસંદ કર્યું છે.
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ યોગને વૈશ્વિક સુખાકારી માટે એક શક્તિશાળી એજન્ટ તરીકે જુએ છે કારણ કે તે લોકોને ભૂતકાળ બોજ વગર વર્તમાનમાં જીવવામાં મદદ કરે છે. આપણે અંદરથી શાંતિપૂર્ણ હોઈએ છીએ, ત્યારે આપણે વિશ્વ પર સકારાત્મક અસર પણ કરી શકીએ છીએ… યોગ સમાજમાં સકારાત્મક પરિવર્તનના નવા માર્ગો બનાવે છે.વિશ્વભરમાં યોગ સાધકોની સંખ્યા દરરોજ વધી રહી છે અને આ પદ્ધતિ તેમના રોજિંદા જીવનનો એક ભાગ બની રહી છે.હું જ્યાં પણ જાઉં છું ત્યાં ભાગ્યે જ કોઈ (આંતરરાષ્ટ્રીય) નેતા હશે જે યોગના ફાયદા વિશે મારી સાથે વાત ન કરે.
તુર્કમેનિસ્તાન, સાઉદી અરેબિયા, મંગોલિયા અને જર્મનીના ઉદાહરણો ટાંકીને વડાપ્રધાન કહ્યું હતું કે ધ્યાનનું પ્રાચીન સ્વરૂપ ત્યાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે.વડા પ્રધાને 101 વર્ષીય ફ્રેન્ચ મહિલા શાર્લોટ ચોપિનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમને તેમના દેશમાં યોગને લોકપ્રિય બનાવવાની તેમની સેવાઓ માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આપણે હવે ઉત્તરાખંડ અને કેરળ જેવા રાજ્યોમાં યોગ ટુરિઝમ જોઈ રહ્યા છીએ. લોકો ભારત આવી રહ્યા છે કારણ કે તેઓને અધિકૃત યોગ જોવા મળે છે.લોકો હવે ફિટનેસ માટે વ્યક્તિગત યોગ ટ્રેનર્સની નિમણૂક કરી રહ્યા છે, અને કંપનીઓ તેમના કર્મચારીઓ માટે યોગ ઈન માઇન્ડ એન્ડ બોડી (ફિટનેસ) પ્રોગ્રામનો સમાવેશ કરી રહી છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓ અને અવકાશ પ્રોજેક્ટ્સ પર કામ કરતા લોકોને પણ યોગની તાલીમ આપવામાં આવે છે કારણ કે તે “ઉત્પાદકતા તેમજ સહનશીલતા” વધારે છે.