1967માં સ્થપાયેલ ઇંગ્લેન્ડના સૌથી મોટા વાર્ષિક ક્યુરેટેડ મલ્ટી-આર્ટ ફેસ્ટિવલ બ્રાઇટન ફેસ્ટિવલે જાહેરાત કરી છે કે 2025 માટે તેના ગેસ્ટ ડિરેક્ટર તરીકે ગ્રેમી-નોમિનેટેડ સંગીતકાર, કમ્પોઝર અને એક્ટિવિસ્ટ અનુષ્કા શંકર સેવા આપશે. આગામી વર્ષનો ફેસ્ટિવલ 3-25 મે દરમિયાન યોજાશે અને તે પ્રસંગે બ્રાઇટન, હોવ અને સસેક્સના સ્થળોએ સંગીત, થિયેટર, નૃત્ય, કલા, ફિલ્મ, સાહિત્ય, ડીબેટ, આઉટડોર કાર્યક્રમોની ઉજવણી કરાશે. તેઓ વિખ્યાત અનીશ કપૂર, કે ટેમ્પેસ્ટ, લેમન સિસે અને લૌરી એન્ડરસન સહિતના અગાઉના અતિથિ નિર્દેશકોને અનુસરશે.
અનુષ્કા શંકર નવ ગ્રેમી નામાંકન સાથે તે જ એવોર્ડ સમારોહમાં જીવંત કાર્યક્રમ પ્રસ્તુત કરનાર પ્રથમ ભારતીય સંગીતકાર અને પ્રથમ ભારતીય મહિલા હતી. તેઓ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સ શીલ્ડ મેળવનાર સૌથી નાની અને પ્રથમ મહિલા છે. તેઓ યુકેના એ-લેવલના સંગીત અભ્યાસક્રમનો ભાગ બનનાર પ્રથમ મહિલા સંગીતકારોમાંના એક છે.
શંકરે નવ વર્ષની ઉંમરે સિતાર અને ભારતીય શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ તેમના પિતા, સુપ્રસિદ્ધ સિતાર માસ્ટર પંડિત રવિશંકરના સઘન શિક્ષણ હેઠળ કરવાનું શરૂ કર્યું. 13 વર્ષની ઉંમરે તેને પ્રોફેશનલ કાર્યક્રમોની શરૂઆત કરીને વિશ્વભરમાં પ્રવાસ કર્યો હતો.
તેમણે હર્બી હેનકોક, પેટી સ્મિથ, જોશુઆ બેલ, સ્ટિંગ, ગોલ્ડ પાન્ડા, રોડ્રિગો વાય ગેબ્રિએલા, જુલ્સ બકલી, તેની સાવકી બહેન નોરાહ જોન્સ અને પવિત્ર દલાઈ લામા જેવા કલાકારોની વિવિધ શ્રેણી સાથે કામ કર્યું છે.
શંકર બ્રાઇટન ફેસ્ટિવલ પ્રોગ્રામિંગ ટીમ સાથે વિવિધ અને સમાવિષ્ટ કાર્યક્રમો વિકસાવવા માટે કામ કરશે, જે ફેબ્રુઆરીમાં સત્તાવાર લોન્ચ વખતે જાહેર કરવામાં આવશે.
brightonfestival.org