વડા પ્રધાન ઋષિ સુનકે ધ સન્ડે ટાઇમ્સને આપેલી એક વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’આ ચૂંટણી પ્રચાર અને અન્ય કઠીન પરિસ્થિતીઓમાં હિંદુ ધર્મ મને મજબૂત રહેવામાં મદદ કરે છે. હું ટોરી પાર્ટીની ચૂંટણી વ્યૂહરચના માટે સંપૂર્ણ અને અંતિમ જવાબદારી લઉં છું અને જો ટોરી પાર્ટી હારી જશે તો પણ હું સાંસદ સભ્ય બની રહીશ. મને હજુ પણ ‘મૂળ બ્રેક્સિટર’ હોવા બદલ ગર્વ છે.’’
તા. 4ના રોજ યોજાનારી ચૂંટણી પહેલા માંડ 16 દિવસ બાકી રહ્યા છે ત્યારે બધા જ રાજકીય પક્ષોએ પોતાના મેન્ફેસ્ટ બહાર પાડી ચૂક્યા છે. નાઇજેલ ફરાજની રિફોર્મ પાર્ટીને યુગોવના પોલમાં ટોરી કરતા એક પોઇન્ટની બઢત મળતા ટોરીએ હવે પૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનની મદદ માંગી છે. બીજી તરફ હાલમાં ભલે સૌ કોઇ ટોરી પાર્ટીના પતનની વાતો કરતા હોય પરંતુ યુકેનો સમગ્ર હિન્દુ સમુદાય વડા પ્રધાન સુનકની પાછળ ઉભો છે અને સોસ્યલ મિડીયામાં સુનકને વોટ આપવા અને તેમની પડખે ઉભા રહેવા અપીલ થઇ રહી છે.
પાર્ટીને પડી રહેલી મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરે છે તે વિષે ખુલાસો કરતા વડા પ્રધાન સુનકે ગીતા જીના શ્લોક ‘કર્મણ્યે વાધિકા રસ્તે…’નો સારાંશ આપતા કહ્યું હતું કે ‘’મિસફાયરિંગ અભિયાન દરમિયાન હિંદુ આસ્થા મારી શક્તિનો સ્ત્રોત રહ્યા છે. હિન્દુ ધર્મમાં, ધર્મ તરીકે ઓળખાતી ફરજની વિભાવના છે. ફરજ નિભાવો ત્યારે તેના પરિણામો પર ધ્યાન ન રાખવું. અને તમે તે (એટલા માટે) કરો છો કારણ કે તે કરવું યોગ્ય છે, અને તમારે તેના પરિણામથી તમારી જાતને અલગ કરવી પડશે.’’
લોકોએ તેમના કાર્યો માટે પુરસ્કાર આપ્યો ન હોવાથી નિરાશ થયા હોવાનો ઇનકાર કરતા, સુનકે હિંદુ ધર્મના કર્મ અને ફળની પ્રાપ્તિના ખ્યાલ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને સમજાવી હતી.
ટોની બ્લેરના સ્પિન ડૉક્ટર એલિસ્ટર કેમ્પબેલે ભગવાન વિષે કરેલી ટીપ્પણી બાદ હજુ સુધી કોઇ વડા પ્રધાન કે રાજકારણીઓએ તેમના ધર્મ બાબતે ચર્ચા કરી નથી. પરંતુ ભારતીય વારસાના બ્રિટનના પ્રથમ વડાપ્રધાન સુનક તેમનાથી અલગ છે. તેઓ ધર્મનું પાલન કરતા હિંદુ છે. ડાઉનીંગ સ્ટ્રીટના ઘરમાં મંદિર છે, દિવાળી પર્વે જાતે દિવા પ્રગટાવે છે, કાંડા પર નાડાછડી બાંધે છે અને તેમના ડેસ્ક પર ભગવાન ગણેશની પ્રતિમાને વંદન કરીને તેઓ કામની શરૂઆત કરે છે. તેમનો ધર્મ જ તેમના જીવનના દરેક પાસાઓને માર્ગદર્શન આપે છે અને જ્યારે તેમણે લીઝ ટ્રસ પાસેથી કપરી પરિસ્થિતીમાં પદભાર સંભાળ્યો ત્યારે PM તરીકે તમામ પડકારો હોવા છતાં – તેમણે વિચાર્યું હતું કે રાષ્ટ્રની સેવા કરવી એ તેમનો “ધર્મ” છે.
સુનકે મુલાકાતમાં કબૂલ્યું હતું કે ‘’આ બધું કરવું સહેલું નથી. પરંતુ તે એક એવી બાબત છે જેની સાથે મારો ઉછેર થયો હતો, અને ધર્મ પ્રત્યેની શ્રધ્ધા મને કપરી હાલતનો સામનો કરવાની શક્તિ આપે છે. હું માનું છું કે તમે જેટલી કરી શકો તેટલી સખત મહેનત કરો, તમને જે સાચું લાગે છે તે કરો અને તેમ કરવાનો પ્રયાસ કરો, અને પછીથી જે થવાનું છે ત જ થશે.”
સુનકે જણાવ્યું હતું કે ‘’ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ગરબડ માટે હું જ જવાબદાર રહીશ. એક વખત અમારો મુશ્કેલ સમય હતો. રોગચાળા અને યુક્રેન યુદ્ધ બાદ લોકો હતાશા અને અસલામતી અનુભવતા હતા. પરંતુ દરેકની ઘણી મહેનત પછી, આપણે તેમાંથી પસાર થયા છીએ. હાલમાં દેશની અર્થવ્યવસ્થા આપણા તમામ મોટા સ્પર્ધકો કરતાં વધુ ઝડપથી વધી રહી છે. ફુગાવો સામાન્ય થઈ ગયો છે, વેતન વધી રહ્યું છે, એનર્જી બિલ ઘટી રહ્યા છે, મને આશા છે કે, ભવિષ્ય વિશે લોકો વધુ વિશ્વાસ અનુભવી રહ્યા છે.”
ચૂંટણી ઝુંબેશ ચોથા અઠવાડિયામાં પ્રવેશી રહી છે ત્યારે સુનકે કહ્યું હતું કે “નાઇજેલ ફરાજ કન્ઝર્વેટિવ પાર્ટીમાં નથી અને જે કોઈ કન્ઝર્વેટિવ ઉમેદવાર નથી તેને વોટ આપવો એ સ્ટાર્મરની નંબર 10માં આવવાની શક્યતા વધારે છે. એક માત્ર અમે સ્થળાંતરને નિયંત્રિત કરવા, બોટને રોકવા, ટેક્સ કટ કરવા અને પેન્શનનું રક્ષણ કરવા માટે કામ કરી રહ્યા છીએ.’’
ડી-ડે સ્મારક સમારોહને વહેલો છોડવા બદલ યુદ્ધના નિવૃત્ત સૈનિકોનું અપમાન કરવાનો, દેશભક્ત નેતા ન હોવાનો અને સંસ્કૃતિને સમજતા નથી એવા આરોપોનો જવાબ આપતા સુનકે કહ્યું: “મારા દાદા-દાદી યુકેમાં સ્થળાંતર કરીને આવ્યા તે પછી બે પેઢીઓથી પછી હું અહીં વડા પ્રધાન તરીકે બેઠો છું. મને નથી લાગતું કે મારી વાર્તા વિશ્વના અન્ય કોઈ પણ દેશમાં શક્ય હોઇ શકે. આપણા દેશમાં, જો તમે સખત મહેનત કરો, એકીકૃત થાવ અને બ્રિટિશ મૂલ્યોનું પાલન કરશો તો તમે કંઈપણ હાંસલ કરશો. તેથી મારા માટે દેશભક્તિનો અર્થ એ છે આ દેશે મારા અને મારા પરિવાર માટે જે કંઈ કર્યું છે તેના માટે આપણા અતુલ્ય દેશમાં હું ગર્વ અનુભવુ છું.”
સુનકે કહ્યું હતું કે ‘’મને બ્રેક્ઝિટ પર ગર્વ છે અને સ્ટાર્મર તે બધું ઉલટાવી દેશે. આપણે હવે આપણી સામે રહેલી તકોનો લાભ લઈ શકીએ છીએ. આપણે વિશ્વભરમાં ફ્રી-ટ્રેડ ડીલ્સ પર હસ્તાક્ષર કરી રહ્યા છીએ, જેના કારણે હવે બ્રેક્ઝિટ બ્રિટન ફ્રાન્સ, નેધરલેન્ડ અને જાપાનને પાછળ છોડીને વિશ્વમાં ચોથો સૌથી મોટો નિકાસકાર દેશ બની ગયો છે. આપણે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છીએ.’’
સુનકે લેબર નેતા સ્ટાર્મર પર ફ્રેન્ચ-શૈલીના હડતાલના કાયદાનો અમલ કરવાનો આરોપ મૂકતા કહ્યું હતું કે લેબરનું નવું ડીલ હડતાલ વિરોધી કાયદાને રદ કરવાનું વચન આપે છે. તેઓ નોકરીઓનો નાશ કરશે, આર્થિક રીકવરીને નુકસાન પહોંચાડશે અને હડતાલોની શક્યતા વધારે છે.”
સુનકે દેશની સુરક્ષા, યુક્રેનને સમર્થન, રશિયા સામના પ્રતિરોધનો પણ ઉલ્લેખ કર્યો હતો.