(Photo by Leon Neal/Getty Images)

લેબર પાર્ટીએ તા. 13 જૂનના રોજ બહાર પાડેલા મેનિફેસ્ટોમાં નેતા સર કેર સ્ટાર્મરની આગેવાની હેઠળ બ્રિટનના આમૂલ પરિવર્તન માટે બ્રિટનની અર્થવ્યવસ્થામાં સુધારો કરવા, અઠવાડિયામાં 40,000 વધુ એપોઇન્ટમેન્ટ સાથે NHS વેઇટિંગ લિસ્ટમાં કાપ મૂકવા, નવી બોર્ડર સિક્યુરિટી કમાન્ડ શરૂ કરવા, ગ્રેટ બ્રિટિશ એનર્જી સ્થાપિત કરવા, અસામાજિક વર્તણૂક પર સખત પગલા લેવા વધુ નેઇબરહૂડ પોલીસ અને 6,500 નવા શિક્ષકોની ભરતી કરવાની યોજનાઓ સાથે લગભગ એક દાયકાના નવીકરણની યોજના જાહેર કરી છે. લેબરે આર્થિક સ્થિરતા લાવવા આવકવેરો, નેશનલ ઇન્સ્યોરંશ અને VATના દરો નહીં વધારવાની પ્રતિજ્ઞા લીધી છે.

લેબર નેતા સર કેર સ્ટાર્મરે માન્ચેસ્ટરમાં કો-ઓપ હેડક્વાર્ટર ખાતે લેબરના 133 પાનાના ચૂંટણી ઢંઢેરાનું અનાવરણ કર્યું હતું. લેબર નેતા સ્ટાર્મરના કુલ 33 ફોટાઓ સાથેના ચૂંટણી ઢંઢેરામાં સર સ્ટાર્મર “આપણા દેશનું પુનઃનિર્માણ” કરવા “વિશ્વસનીય” લાંબા ગાળાની યોજના સાથે ગયા વર્ષે નક્કી કરેલા સરકાર માટેના “પાંચ મિશન”ને વળગી રહ્યા હતા. સર સ્ટાર્મરે £8.3 બિલિયનના ટેક્સમાં વધારાનું અને મુસ્લિમ મતદારોને પોતાની પડખે કરવા પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવાનું વચન આપ્યું હતું.

સર સ્ટાર્મરે કહ્યું હતું કે “પરિવર્તન માટે લેબરનું પ્રથમ પગલું એ દેશ માટે અમારી લાંબા ગાળાની યોજના માટેનું ડાઉન પેમેન્ટ છે – 14 વર્ષની કોન્ઝર્વેટીવ પાર્ટીની અરાજકતા અને ઘટાડા હેઠળ જે નુકસાન થયું છે તેના પર અમે તાત્કાલિક સમારકામ કરીશું. અમે જાણીએ છીએ કે અમે જાદુઈ લાકડી ફેરવી શકતા નથી અને ડોળ કરી શકતા નથી કે બધું જ રાતોરાત ઠીક થઈ જશે… પરંતુ અમારી લાંબા ગાળાની યોજના તરફના આ પ્રથમ પગલાં છે.”

દેશનો વિકાસ કરવા માટે લેબર ખર્ચા પર નવા નિયમો સાથે આર્થિક સ્થિરતા પુનઃસ્થાપિત કરવા, કોર્પોરેશન ટેક્સની મર્યાદા 25% સુધી સિમિત રાખવા, બિઝનેસીસને તેમની યોજના બનાવવાની મંજૂરી આપવા અને રોકાણના નિર્ણયો માટે બિઝનેસીસને લાંબા ગાળાની નિશ્ચિતતા આપવા માટેની નવી ઔદ્યોગિક વ્યૂહરચના જાહેર કરી છે. તો ઉદ્યોગોમાં રોકાણ કરવા માટે નવા નેશનલ વેલ્થ ફંડ અને ક્લીન પાવરમાં સંક્રમણને વેગ આપવા માટે ગ્રેટ બ્રિટિશ એનર્જી સાથેના રોકાણની જાહેરાત કરી છે. લેબરે ભવિષ્યના ઉદ્યોગોમાં 650,000 નોકરીઓનું સર્જન કરવા, રેલવે, રસ્તા, લેબોરેટરીઝ અને 1.5 મિલિયન ઘરો બનાવવા માટે દેશના પ્લાનિંગ લૉઝમાં સુધારો કરવાની અને 10-વર્ષની નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યૂહરચના વિકસાવવાની પણ જાહેરાત કરી છે.

આ ઉપરાંત દેશભરના નગરો માટે નવી વિકાસ યોજનાઓ સાથે ટ્રાન્સપોર્ટ, સ્કીલ્સ, હાઉસિંગ અને પ્લાનિંગ તથા રોજગાર સહાય અંગેની નવી સત્તાઓ સાથે, સમગ્ર દેશમાં મેયરોના પ્રયાસોને ટર્બો-ચાર્જ કરવા માટે સત્તાને વેસ્ટમિન્સ્ટરથી દૂર ખસેડવાના નિર્ણયમાં સુધારો લાવવાનું જાહેર કર્યું છે.

બ્રિટનના ઉદ્યોગો અને અર્થતંત્રની જરૂરિયાતોને પહોંચી વળવા માટે લેબર કર્મચારીઓની યોજનાઓ સાથે ઘરેલું કૌશલ્ય વિકસાવી રહ્યું છે અને તેને અધારે ઇમિગ્રેશન અને કૌશલ્ય પ્રણાલીમાં સુધારો કરાશે. લેબર પોતાના શાસનકાળમાં નવી ટેકનીક્સની તકોને સમજવા માટે બિઝનેસીસ અને કામદારો સાથે ભાગીદારીમાં કામ કરશે, AI ક્ષેત્રની યોજના સાથે નવી રાષ્ટ્રીય ડેટા લાઇબ્રેરી, ડેટાસેન્ટરો શરી કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સુધારા લાવશે. તો વિદેશી મિલકતોમાં  રોકાણ કરતા લોકો પર ટેક્સ લગાવવાનું પસંદ કર્યું છે.

NHS અને સોસ્યલ કેર ક્ષેત્ર માટે લેબરે પ્રથમ ટર્મના અંત સુધીમાં 18-અઠવાડિયાના વેઇટીંગ લીસ્ટને ઘડાટવાની, પ્રથમ વર્ષમાં બે મિલિયન વધુ ઓપરેશન્સ, સ્કેન અને એપોઇન્ટમેન્ટની, હજારો વધુ ડોકટરો, નર્સો અને મિડવાઈફને તાલીમ આપવાની, દરેક શાળાઓમાં નિષ્ણાત સ્પેશ્યલ મેન્ટલ હેલ્થ સપોર્ટની અને ત્રણથી પાંચ વર્ષના બાળકો માટે વધારાની 700,000 ડેન્ટીસ્ટ એપોઇન્ટમેન્ટની જાહેરાત કરાઇ છે. લેબર 40 નવી હોસ્પિટલો ઉભી કરવાના ટોરીઝના વચનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત મેડિકલ સ્કૂલની જગ્યાઓની બમણી કરીને 15,000 સુધી પહોંચાડશે અને 10,000 વધારાની નર્સિંગ અને મિડવાઇફરી પ્લેસમેન્ટ પ્રદાન કરશે. તો 2030 સુધીમાં નવા HIV કેસોનો અંત લાવવા કટિબધ્ધ છે. આ ઉપરાંત યુવાનોને જંક ફૂડથી દૂર રાખવા અને 16 વર્ષથી ઓછી વયના લોકો માટે એનર્જી ડ્રિંકના પ્રચાર પર પ્રતિબંધ મૂકવા માંગે છે. તો ઈંગ્લેન્ડની દરેક પ્રાથમિક શાળામાં સંપૂર્ણ ભંડોળવાળી બ્રેકફાસ્ટ ક્લબની સ્થાપના કરશે.

લેબરે નોન-ડોમ માટે વારસાગત કરની છટકબારી બંધ કરવાની, ટેક્સ ટાળનારાઓ પર કાર્યવાહી કરવાની અને બિઝનેસ રેટ્સમાં સુધારો કરી કર રાહતોની સમીક્ષા કરવાની ખાતરી આપી છે. લેબરનો દાવો છે કે નોન-ડોમ સ્ટેટસ નાબૂદ કરવાથી £5.23 બિલિયન, ખાનગી શાળાઓ પરના VATથી £1.5 બિલિયન, કેરીડ ઈન્ટરેસ્ટ ટેક્સની છટકબારી બંધ કરી £565 મિલિયન,  યુકેમાં ઘરની ખરીદી કરતા વિદેશી નાગરીકો પરની સ્ટેમ્પ ડ્યુટીમાં 1 ટકાનો વધારો કરીને વધુ £40 મિલિયન અને ઓઇલ અને ગેસ પર વિન્ડફોલ ટેક્સ દ્વારા £1.2 બિલિયન એકત્ર કરવા ધારે છે.

લેબર અર્થતંત્રને વેગ આપવા G7 દેશોમાં સૌથી વધુ, સતત વૃદ્ધિ માટે બિડ કરવા માગે છે. આ ઉપરાંત ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR) માટે કઠિન નવા નાણાકીય નિયમો અને ઉન્નત ભૂમિકા, નવી ઓફિસ ફોર વેલ્યુ ફોર મનીની રચના, ગ્રીન પ્રોજેક્ટ્સમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવા અને કામ કરતા લોકો માટે નવુ ડીલ લાવવા માંગે છે.

પર્યાવરણ, ઊર્જા અને નેટ ઝીરો કાર્બન માટે 2030 સુધીમાં ક્લીન પાવર જનરેટ કરવા, પાંચ વર્ષમાં પાંચ મિલિયન ઘરોને અપગ્રેડ કરવા અને પ્રથમ ટર્મમાં ગ્રીન પ્રોજેક્ટ્સ પર વધારાના £23.7 બિલિયન ખર્ચવા માંગે છે.

શિક્ષણ અને બાળ સંભાળ ક્ષેત્રે ચાઇલ્ડકેર સિસ્ટમને ઓવરઓલ કરવા, ‘વધુ અસરકારક’ ઑફસ્ટેડ સિસ્ટમ લાવવા, શાળાના અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની સમીક્ષા કરવા, ઘરે રહીને ભણતા બાળકો માટે નવું રજીસ્ટર લાવવા, સ્ટુડન્ટ લોનની ચુકવણીમાં સુધારો કરવા માંગે છે.

લેબર પક્ષ દેશના સંરક્ષણ ખર્ચને જીડીપીના 2.5 ટકા સુધી વધારવા, નાટો અને પરમાણુ પ્રતિરોધક માટે પ્રતિબદ્ધતા દાખવવા, સંરક્ષણ અને સુરક્ષાની સમીક્ષા કરવા અને નવા સશસ્ત્ર દળોના કમિશનરને બનાવા માટે કટિબધ્ધ છે.

લેબરે પેન્શન ક્ષેત્ર માટે ટ્રિપલ લોક માટેની પ્રતિબદ્ધતા, બચત કરનારા લોકો માટે શ્રેષ્ઠ મૂલ્યની ખાતરી કરવા માટે પેન્શન સમીક્ષા કરવા અને અંડર-પર્ફોર્મિંગ સ્કીમનો સામનો કરવા માટે રેગ્યુલેટરને નવી સત્તાઓ આપવાની જાહેરાત કરી છે.

ગુનાખોરીને ડામવા માટે બીટ પર વધારાના 13,000 પોલીસ મૂકી આગામી 10 વર્ષમાં ગંભીર હિંસક અપરાધોને અડધા કરવા, મજબુત અસામાજિક વર્તણૂક ઓર્ડર્સ (Asbos) ફરીથી રજૂ કરવા, £200 સુધીની દુકાનોમાંથી કરાતી ચોરી પર પગલા નહિં લેવાનો નિયમ દૂર કરવાની, ફરજ દરમિયાન માર્યા ગયેલા પોલીસ માટે નવો બહાદુરી મેડલ જાહેર કરવાની અને 2030 સુધીમાં 14,000 વધારાના કેદોની જેલમાં વ્યવ્સથા કરવાની જાહેરાત કરી છે.

માઇગ્રેશન પર કાબુ લાવવા લોકોની દાણચોરી કરતા લોકો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવાની, નવા ક્રોસ બોર્ડર પોલીસ યુનિટની રચના, એસાયલમ બેકલોગ ઘટાડવા વધારાના 1,000 કેસ વર્કરની જોગવાઇ કરવા, EU સાથે માઇગ્રન્ટને પરત મોકલવાના નવા ડીલ, રવાન્ડા બિલ રદ કરવા અને બેરોજગાર બ્રિટીશ લોકોને તાલીમ આપવાની જાહેરાત કરાઇ છે.

હાઉસિંગ માટે ઢંઢેરામાં જણાવાયું છે કે લેબર સરકાર 1.5 મિલિયન નવા ઘરો બનાવશે અને “નબળી ગુણવત્તાની” ગ્રીન બેલ્ટની જમીનનો ઉપયોગ કરશે તથા નવી મોરગેજ ગેરંટી યોજના મલમાં મૂકશે.

લેબરે નવા બંધારણીય સુધારા કરવાનું પણ વચન આપ્યું છે જે અંતર્ગત પીયર્સે કામ માટે નિયમિતપણે આવવાનું રહેશે અને દરેક મેમબર્સને 80 વર્ષની ઉંમરે નિવૃત્ત કરાશે. તો હેરીડીટરી પીયર્સની બેઠકો છીનવી લેવા માટે તથા નવા પીયર્સની પસંદગી માટે નવો કાયદો લવાશે. આ ઉપરાંત અપમાનિત સભ્યોને બહાર કાઢવા માટે સુવ્યવસ્થિત પ્રક્રિયા લવાશે.

LEAVE A REPLY