ગુજરાતના કચ્છ અને પોરબંદર જિલ્લાઓના દરિયા કિનારેથી છેલ્લા કેટલાક દિવસોમાં ચરસના 87 જેટલા પેકેટો મળી આવ્યા છે. કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રૂ.40 કરોડથી વધુની કિંમતના ચરસના 81 પેકેટ ઝડપાયાં હતાં.
સોમવારે પોરબંદરમાં પોલીસે ઓડાદરના દરિયાકાંઠાના ગામમાંથી ગાંજાના અડધો ડઝન પેકેટો ઝડપ્યા હતા. પોલીસે ડ્રોન અને માનવ બાતમીનો ઉપયોગ કરીને સર્ચ કાર્યવાહી ચાલુ કર્યા પછી છેલ્લા કેટલાક દિવસોમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં નાર્કોટિક્સના 200 વધુ પેકેટો મળી આવ્યાં છે. પોલીસે સોમવારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં દરિયા કિનારેથી ચરસના 40 પેકેટ ઝડપ્યા હતાં.
કચ્છ (પશ્ચિમ)ના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું હતું કે આ સાથે, છેલ્લા ત્રણ દિવસમાં નળ સરોવર, જખૌ અને માંડવી જેવા વિસ્તારોમાંથી મળી આવેલા ચરસના પેકેટની સંખ્યા વધીને 81 થઈ ગઈ હતી અને જપ્ત કરાયેલા માદક પદાર્થની કિંમત 40 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દેવભૂમિ દ્વારકા પોલીસે રવિવારે જણાવ્યું હતું કે 10 દિવસમાં જિલ્લામાં દરિયા કિનારેથી 124 કિલો ચરસના 115 પેકેટો મળી આવ્યા છે જેની કિંમત 62 કરોડ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે. જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગ્સ માફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે.