અમેરિકાના ન્યુ જર્સી રાજ્યમાં કથિત રીતે 19 વર્ષીય ભારતીય મૂળના યુવકે કરેલા ફાયરિંગમાં ભારતીય મૂળની એક મહિલાનું મોત થયું હતું અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઉત્તરપૂર્વીય મિડલસેક્સ કાઉન્ટીમાં આ ઘટના 12 જૂને બની હતી અને ફાયરિંગનું કારણ જાણવા મળ્યું ન હતું.
ફાયરિંગનો કોલ મળ્યા પછી પોલીસ ઘટનાસ્થળે ગઈ હતી અને પોલીસને બંદૂકની ગોળી વાગેલી હાલતમાં બે પીડિત મહિલા મળી આવી હતી. બંનેને ગંભીર હાલતમાં એરલિફ્ટ કરી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કારટેરેટની 29 વર્ષીય જસવીર કૌરને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ હતી, જ્યારે અન્ય પીડિત 20 વર્ષીય મહિલા ગંભીર હાલતમાં હતી. તેનું નામ ગગનદીપ કૌર હોવાનું માનવામાં આવે છે.
ગોળીબારના કનેક્શનમાં પોલીસે ગૌરવ ગિલની બીજા દિવસે ધરપકડ કરી હતી. કેન્ટના રહેવાસી ગીલ સામે હત્યા સહિતના આરોપ દાખલ કરાયાં હતાં. અહેવાલમાં જણાવાયું છે કે આ બંને મહિલા ગુરમુખ સિંહને ત્યાં રહેતી હતી.
પ્રાથમિક રીતે એવું લાગે છે કે ગગનદીપ અને ગૌરવ એક બીજાને ઓળખતા હતા, એક દિવસ ગૌરવ ગગનદીપના ઘરે ગયો અને ત્યાં ઝઘડો કર્યો. તેને છોડાવવા માટે તેની કઝિન જસબીર બહાર આવી તો ગૌરવ ગિલે તેને ગોળીઓ મારી દીધી. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને એક જગ્યાએ ગન ફાયરની ફરિયાદ મળી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને જોયું તો બે મહિલાઓને ગોળી વાગી હતી. તેમાંથી જસવીર કૌર મૃત્યુ પામી હતી જ્યારે તેની 20 વર્ષીય કઝીન ક્રિટિકલ સ્થિતિમાં છે.