સ્વિટ્ઝર્લેન્ડમાં 15-16 જૂને યોજાયેલી યુક્રેન શાંતિ શિખર બેઠકમાં 80 દેશોએ એક સંયુક્ત નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાની જાળવણીને આધારે કોઈપણ શાંતિ સમજૂતી થવી જોઇએ અને બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવું જોઇએ.
બે દિવસીય શાંતિ સમિટમાં યુએસ, યુકે, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન અને સાઉદી અરેબિયા સહિત કુલ 92 દેશો તથા સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન કમિશન સહિત આઠ સંસ્થાઓએ ભાગ લીધો હતો. જોકે સંયુક્ત નિવેદનમાં ભારત ઉપરાંત, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા અને યુનાઇટેડ આરબ અમિરાતે હસ્તાક્ષર કર્યા ન હતાં. આ સમિટમાં ચીન હાજર રહ્યું ન હતું અને રશિયાને આમંત્રણ અપાયું ન હતું.
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સ્કીની વિનંતી પર સ્વિટ્ઝર્લેન્ડની યજમાનીમાં યોજાયેલી આ શાંતિ સમિટમાં રશિયાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. યુક્રેન અને કેટલાક પશ્ચિમી દેશમાં ભારતના ટોચના નેતૃત્વની ભાગીદારી માટે લોબિંગ કર્યું હતું, પરંતુ ભારત રશિયાને તેનો વ્યૂહાત્મક ભાગીદાર દેશ માને છે, તેથી ભારત આવી સમિટના કોઇ સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનું ટાળ્યું હતું.