(PTI Photo)

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે સવારે બે ટ્રેન વચ્ચેના અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હતાં અને બીજા 41 ઘાયલ થયા હતાં. સ્ટેશન પર ઊભેલી કંચનજંગા એક્સપ્રેસ સાથે એક માલગાડી અથડાઈ હતી તેનાથી પાછળના ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા હતાં.

રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંચનજંગા એક્સપ્રેસ દુર્ઘટનામાં સાત મુસાફરો અને બે રેલવે કર્મચારીઓના મોત થયા હતા અને 41 વધુ ઘાયલ થયા હતા. નવ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી અને 32 સામાન્ય અથવા નાની ઈજાઓ થઈ હતી.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં ગૂડ્સ ટ્રેનના પાયલટ અને કો-પાયલટ અને પેસેન્જર ટ્રેનના ગાર્ડનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉત્તર બંગાળના ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી લગભગ 30 કિમી દૂર રંગપાની સ્ટેશન નજીક માલગાડીનું એન્જિન પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. દાર્જિલિંગ જિલ્લા રેલવે બોર્ડના અધ્યક્ષના જણાવ્યાનુસાર માલગાડીના ડ્રાઈવરે સિગ્નલની અવણગણના કરી હતી.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મૃતકના પરિજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને નાની ઈજાઓ પહોંચી છે તેઓને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક મૃતકોના પરિવારજનોને  2 લાખ જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

 

LEAVE A REPLY