વોડાફોન આઈડિયાએ તેનું દેવું ઓછું કરવા માટે તેના વેન્ડર નોકિયા ઈન્ડિયા અને એરિક્સન ઈન્ડિયાને રૂ.2458 કરોડના મૂલ્યના ઈક્વિટી શેર ઇશ્યૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
વોડાફોન આઈડિયાએ એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું હતું કે ‘બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેના બે મહત્વના વેન્ડર્સ નોકિયા સોલ્યૂશન્સ એન્ડ નેટવર્ક્સ ઈન્ડિયા અને એરિક્સન ઈન્ડિયાને રૂ.10ની ફેસ વેલ્યૂના 166 કરોડ ઈક્વિટી શેર પ્રેફરન્શિયલ ધોરણે એલોટ કરવાની ગુરુવારે મંજૂરી આપી હતી. શેરદીઠ રૂ.14.80ના ભાવે આ શેર ફાળવવામાં આવશે, જેનું કુલ મૂલ્ય રૂ.2,458 કરોડ થાય છે.’
વોડાફોન આઈડિયા લિમિટેડના બોર્ડે કંપનીના ફોલો-ઓન ઓફર પ્રાઈસ કરતાં 35 ટકા ઊંચા ભાવે પ્રેફરન્શિયલ ધોરણે નોકિયા અને એરિક્સનને શેર ઈશ્યૂ કરવાની મંજૂરી આપી છે. આ બન્ને વેન્ડર્સને ઈશ્યૂ કરાયેલા શેર તેઓ છ મહિના માટે વેચી નહીં શકે. મતલબ કે 6 મહિનાનો લોક-ઈન પીરિયડ રહેશે.
નોકિયાને રૂ.1,520 કરોડના મૂલ્યના શેર એલોટ કરવામાં આવશે અને એરિક્સનને રૂ.938 કરોડના મૂલ્યના શેર એલોટ કરાશે. આ માટે શેરધારકોની મંજૂરી લેવાશે જેના માટે અસાધારણ જનરલ મીટિંગ (EGM) 10 જુલાઈ, 2024ના રોજ યોજાશે.