(PTI Photo)

કુવૈતમાં બુધવારે બિલ્ડિંગની ઇમારતમાં મૃત્યુ પામેલા 45 ભારતીય કામદારોના મૃતદેહ શુક્રવાર, 14 જૂને ભારતમાં પરત લાવવામાં આવ્યા હતા. ભારતીય હવાઇદળનું એક વિશેષ વિમાન કેરળના કોચીમાં ઉતર્યું હતું અને દક્ષિણના ત્રણ રાજ્યોના 31 કામદારોના મૃતદેહોને સોંપ્યા હતાં. ત્યારપછી તે બાકીના 14 મૃતદેહો સાથે દિલ્હી જવા રવાના થયું હતું.

ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે મૃતકોમાં કેરળના 23, તામિલનાડુના સાત, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ત્રણ-ત્રણ, ઓડિશાના બે તથા બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને હરિયાણાના એક-એકનો સમાવેશ થાય છે. કોચીમાં સોંપવામાં આવેલા મૃતદેહો કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના કામદારોનો સમાવેશ થાય છે, ત્યારબાદ એમ્બ્યુલન્સમાં તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા.

અગાઉ કુવૈતના અગ્નિકાંડમાં માર્યા ગયેલા 45 ભારતીયોના મૃતદેહોની સત્તાવાળાએ ઓળખ કરી હતી. કુવૈતના સત્તાવાળાએ આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને મૃતકોના નશ્વર દેહ પરત લાવવામાં સંપૂર્ણ સહાયનું પણ આશ્વાસન આપ્યું હતું.

કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં સાત માળની ઇમારતમાં બુધવારે લાગેલી આગમાં ઓછામાં ઓછા 49 વિદેશી શ્રમિકોના મોત થયા હતા અને અન્ય 50 ઘાયલ થયા હતા. આ ઇમારતમાં 196 વિદેશી શ્રમિકો રહેતા હતાં.

પ્રથમ નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપતા શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ 48 મૃતદેહોની ઓળખ કરી છે, જેમાંથી 45 ભારતીયો છે અને ત્રણ ફિલિપિનો છે. બાકીના એક મૃતદેહની ઓળખના પ્રયાસો હજુ ચાલુ છે.

બીજી તરફ નવી દિલ્હીમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે કુવૈત સત્તાવાળાઓ વિનાશક આગની ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોના ડીએનએ પરીક્ષણો કરી રહ્યા છે અને આ ઘટનામાં માર્યા ગયેલા ભારતીયોના નશ્વર દેહ પરત લાવવા માટે ભારતીય હવાઇદળનું એક વિમાન સ્ટેન્ડબાય પર છે.

દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સહાય કરવા ભારતીયોના નશ્વર દેહ પરત લાવવા કુવૈત ગયેલા ભારતના રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન કિર્તી વર્ધન સિંહ ગુરુવારે વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને મળ્યાં હતાં. કુવૈતના વિદેશ પ્રધાન સંપૂર્ણ સહાયની ખાતરી આપી હતી અને આ દુર્ઘટનાની ઝડપથી તપાસ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કિર્તી વર્ધન સિંહ કેટલાંક ઘાયલોને પણ મળ્યાં હતા અને ભારત સરકારના તમામ સપોર્ટની ખાતરી આપી હતી. કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે મૃતકોના પરિવારોને આર્થિક સહાયના વિતરણ માટે આદેશ આપ્યાં હતા.

 

LEAVE A REPLY