ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરના ઉલ્લેખ સામે સખત વાંધો ઉઠાવી ભારતે જણાવ્યું હતું કે આ બિનજરૂરી ઉલ્લેખ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગો છે અને હંમેશા રહેશે. આ મુદ્દા પર બીજા કોઇ દેશને ટીપ્પણી કરવાનો અધિકાર નથી.
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે 07 જૂન 2024ના ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંયુક્ત નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના બિનજરૂરી સંદર્ભોની નોંધ લીધી છે. અમે આવા સંદર્ભોને સખત વિરોધ કરીએ છીએ. આ મુદ્દે અમારી સ્થિતિ સાતત્યપૂર્ણ અને સંબંધિત પક્ષકારો માટે જાણીતી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગો છે અને હંમેશા રહેશે. આ મુદ્દે બીજા કોઇ દેશને ટીપ્પણી કરવાનો અધિકાર નથી.
વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અને ચીનના 7 જૂનના સંયુક્ત નિવેદનમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) હેઠળની પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીરમાં આ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આ સમગ્ર પ્રદેશ ભારતનો વિસ્તાર છે, જેના પર પાકિસ્તાનને બળજબરીપૂર્વક અને ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. આ પ્રદેશો પર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાને મજબૂત કરવા અથવા કાયદેસર બનાવવાના અન્ય દેશોના કોઈપણ પગલાનો અમે દ્રઢતાથી વિરોધ કરીએ છીએ અને નકારીએ છીએ. બીજા કોઇ દેશની આવી હિલચાલ ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને અસર કરે છે.
7 જૂને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ચીની પક્ષે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર વિવાદ બંને દેશોના ઇતિહાસ સાથે જોડાયેલો છે તથા યુએન ચાર્ટર, સંબંધિત યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અને દ્વિપક્ષીય કરારો અનુસાર તેનો યોગ્ય અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.