સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવા અને વૈશ્વિક સંવાદિતાને પ્રોત્સાહન આપવા ઇન્ટરનેશનલ તા. 29મી મે 2024ના રોજ સધર્કના ભૂતપૂર્વ મેયર સુનિલ ચોપરા દ્વારા ડાયવર્સિટી ફેસ્ટિવલનું આયોજન પ્રતિષ્ઠિત કેન્સિંગ્ટન ચેલ્સિ રોયલ ટાઉન હોલમાં કરવામાં આવ્યું હતું. આ ઉત્સવનો હેતુ વિવિધ દેશોની વ્યક્તિઓને એકસાથે લાવી, તેમની સમૃદ્ધ પરંપરાઓનું પ્રદર્શન કરવાનો અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવાનો હતો.
આ પ્રસંગે વડોદરાના મહારાણી આશારાજે ગાયકવાડ, લોર્ડ કરણ બિલિમોરિયા, લોર્ડ ડેન બ્રેનન, વિરેન્દ્ર શર્મા, એમ.પી, લોર્ડ જોન ટેલર, ડીપ્લોમેટ નેટવર્કના ઇવાન રોમેરો-માર્ટિનેઝ, ગણપત કોઠારજી, મહેન્દ્ર તુકાખિયા, સંજય શ્રવણ, બોલિવૂડ નિર્માતા વાશુ ભગનાની અને દુબઈના અશોક પુરી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઘાના, નોર્થ સાયપ્રસ, માલદીવ, ભારત, નેપાળ અને અઝર બૈજાનના દૂતાવાસોના અધિકારીઓ સહિત 30 દેશોના મેયર અને પ્રતિનિધિઓએ હાજરી આપી વિશ્વમાં વિવિધતાને સ્વીકારવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
આ ઉત્સવમાં વિવિધ સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા નૃત્યો, ગીતો રજૂ કરાયા હતા.
સધર્કના ભૂતપૂર્વ મેયર અને ઇન્ટરનેશનલ ડાયવર્સિટી ફેસ્ટિવલના અધ્યક્ષ સુનિલ ચોપરા, એન્ફિલ્ડના ભૂતપૂર્વ મેયર અને ઇન્ટરનેશનલ ડાયવર્સિટી ફેસ્ટિવલના વાઇસ ચેર સારાય કારાકુસ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.