સુપ્રીમ કોર્ટે અન્નુ કપૂરની વિવાદાસ્પદ ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર ગુરુવારે સ્ટે મૂક્યો હતો. આ ફિલ્મ 14મી જૂને રિલીઝ થવાની હતી. ફિલ્મ ઈસ્લામિક આસ્થા અને વિવાહિત મુસ્લિમ મહિલાઓ માટે અપમાનજનક હોવાના આરોપોની નોંધ લઈને કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બનેલી વેકેશન બેન્ચે અરજદાર અઝહર બાશા તંબોલીનું પ્રતિનિધિત્વ કરતા વકીલ ફૌઝિયા શકીલની રજૂઆતોની નોંધ લીધી અને બોમ્બે હાઈકોર્ટને અરજી પર ઝડપથી નિર્ણય લેવા તાકીદ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે “અમે સવારે ફિલ્મનું ટ્રેલર જોયું છે અને ટ્રેલરમાં તમામ અપમાનજનક સંવાદો છે. ખંડપીઠે બોમ્બે હાઈકોર્ટની અરજીના નિકાલ સુધી ફિલ્મના પ્રદર્શન પર રોક લગાવી દીધી હતી. આ ફિલ્મ પર અગાઉ કર્ણાટકમાં પ્રતિબંધ મૂકાયો હતો.
ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ધર્મના નામે એક ખાસ ધર્મની મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવે છે. તેઓને બાળકો પેદા કરવા માટે દબાણ કરવામાં આવે છે કહે છે કે તે ગર્ભાવસ્થા દરમિયાન મૃત્યુ પામી શકે છે. ટ્રેલર અને ટીઝર રિલીઝ થયા બાદથી આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મના કલાકારોને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ પણ મળી રહી છે. અન્નુ કપૂરે મહારાષ્ટ્ર પોલીસ અને ગૃહ મંત્રાલય પાસે સુરક્ષાની માંગ કરી હતી.