ઓડિશામાં મંગળવારે પ્રથમ વખત ભાજપ સરકારની રચના થઈ હતી. આદિવાસી નેતા મોહન ચરણ માઝીએ બુધવારે ભુવનેશ્વરમાં યોજાયેલા એક સમારંભમાં રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો અને કેટલાંક રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસે જનતા મેદાન ખાતે સંથાલ સમુદાયના 52 વર્ષીય માઝી અને અન્ય પ્રધાનોને ગુપ્તતા અને પદના શપથ લેવડાવ્યા હતાં. બીજેપીના વરિષ્ઠ નેતા અને પટનાગઢના ધારાસભ્ય કે.વી.સિંહ દેવ અને નિમાપારા વિધાનસભા બેઠકથી પ્રથમ વખત ધારાસભ્ય બનેલા પ્રવતિ પરિદાએ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં.
નવીન પટનાયકની આગેવાની હેઠળની 24 વર્ષ જૂની બીજુ જનતા દળ (બીજેડી) સરકારને હરાવીને પૂર્વીય રાજ્યમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે.
વડાપ્રધાન મોદીએ X પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઓડિશામાં આજનો દિવસ ઐતિહાસિક છે. મુખ્યપ્રધાન તરીકે શપથ લેવા બદલ મોહન ચરણ માઝી તથા ડેપ્યુટી મુખ્યપ્રધાન તરીકે શપથ લેવા બદલ કનક વર્ધન સિંહ દેવ તેમજ પ્રવતી પરિદાને તથા પ્રધાન તરીકે શપથ લેનારા અન્ય લોકોને પણ અભિનંદન.
વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપના વડા જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ, ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, જુઆલ ઓરમ, અશ્વિની વૈષ્ણવ અને અન્યોએ સમારોહમાં હાજરી આપી હતી. સમારંભમાં ઉત્તર પ્રદેશ, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ગુજરાત, છત્તીસગઢ, હરિયાણા અને ઉત્તરાખંડ સહિત ભાજપ શાસિત રાજ્યોના અનેક મુખ્યપ્રધાનો પણ હાજર રહ્યા હતાં. ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને બીજેડી પ્રમુખ નવીન પટનાયક પણ સમારોહમાં હાજરી આપી હતી.
બીજેડીના 24 વર્ષના શાસન પછી ભાજપને પ્રથમ વખત ઓડિશામાં સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો. 147 સભ્યોની વિધાનસભામાં 78 બેઠકો મેળવીને ભાજપ ઓડિશામાં સત્તામાં આવ્યો છે. પટનાયકની આગેવાની હેઠળની BJDને 51 બેઠકો, કોંગ્રેસને 14, CPI(M)ને એક બેઠક મળી હતી.