(PTI Photo)

કુવૈતના મંગાફ વિસ્તારમાં બુધવારે પરોઢિયે છ માળની એક બિલ્ડિંગમાં વિનાશક આગ ફાટી નીકળતા 41 ભારતીય શ્રમિકો સહિત ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરી બેઠક યોજી હતી અને અસરગ્રસ્ત તમામ ભારતીયોને શક્ય તમામ મદદ કરવાના આદેશ જારી કર્યાં હતા. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને PMના મુખ્ય સચિવ પીકે મિશ્રા સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગની ઘટનાને દુઃખદાયક ગણાવી હતી હતી. તેમણે પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતક ભારતીય નાગરિકોના દરેક પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી. વિદેશ પ્રધાન જયશંકરે પણ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ગલ્ફ રાષ્ટ્રમાં ભારતીય દૂતાવાસ તમામ સંબંધિતોને સંપૂર્ણ સહાય આપશે.

કુવૈતમાં ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકાએ ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે તેવી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ભારતીયોને સહાય કરવા તથા માર્યા ગયેલા લોકોના મૃતદેહને વહેલા સ્વદેશ પરત લાવવાની કામગીરી કરવા માટે રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન કીર્તિ વર્ધન સિંહને તાત્કાલિક કુવૈત મોકલ્યાં છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોદીએ ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી અને અને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી.

ભારતીયની આંશિક માલિકીની કંપનીએ બિલ્ડિંગ ભાડે રાખી હતી

ભારતીયની આંશિક માલિકીની કન્સ્ટ્રક્શન કંપની NBTC ગ્રૂપે આ વિદેશી કામદારોને રાખવા માટે આ બિલ્ડિંગ ભાડે રાખી હતી. કુવૈતના ગૃહ પ્રધાન શેખ ફહાદ અલ-યુસુફ અલ-સબાહે પોલીસને મંગાફ બિલ્ડિંગના માલિકની અને કંપનીના માલિકીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજે જે બન્યું તે કંપની અને મકાન માલિકોના લોભનું પરિણામ છે.

LEAVE A REPLY