વડાપ્રધાન ઋષિ સુનકે સિલ્વરસ્ટોન રેસ ટ્રેક ખાતે તા. 11ના રોજ કન્ઝર્વેટિવ પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દેશના કરવેરામાં ઘટાડો કરવા, અર્થતંત્રને વેગ આપવા, ઇમિગ્રેશન પર અંકુશ લાવવા અને આવનારી પેઢીઓ માટે વધુ સુરક્ષિત ભવિષ્ય બનાવવા માટે બોલ્ડ પગલાંની સ્પષ્ટ યોજનાઓની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે “આપણી અર્થવ્યવસ્થા ખરેખર એક ખૂણામાં ધકેલાઈ ગઈ છે. અમે ફુગાવો અડધો કર્યો છે અને મારી પાર્ટી આગામી વર્ષોમાં ટેક્સમાં ઘટાડો કરવાનું ચાલુ રાખશે. જેને કારણે 4 મિલિયનથી વધુ કામદારોને ટેક્સમાંથી મુક્તિ મળશે. 2027 સુધીમાં અમે કર્મચારીઓનો નેશનલ ઇન્સ્યોરંશ અડધો કરીને 6% કરી દઈશું જે અગાઉ 12% હતો. બાબતો હંમેશા સરળ હોતી નથી અને અમને બધું બરાબર મળ્યું નથી.”
મેનિફેસ્ટોમાં નેશનલ ઇન્સ્યોરંશમાં કપાત, ચાઇલ્ડ બેનિફિટના વિસ્તરણ અને પેન્શનરો માટે આવકવેરામાં કાપ સહિત વિવિધ કરમાં કાપ અને ખર્ચમાં લગભગ £20 બિલિયન જેટલી રકમની ભેટોનો સમાવેશ થાય છે.
કન્ઝર્વેટિવ પક્ષનો ચૂંટણી ઢંઢેરામાં એપ્રિલ 2027 સુધીમાં કર્મચારીઓના નેશનલ ઇન્સ્યોરંશમાં વધુ 2pના કાપનું તથા સંસદના અંત સુધી સેલ્ફ એમ્પોલય લોકોને નેશનલ ઇન્સ્યોરંશમાં મુખ્ય દરને રદ કરવાનું વચન આપ્યું છે.
આ ઉપરાંત ચેનલ ક્રોસ કરીને યુકેમાં ઘુસી આવતા ગેરકાયદેસરના માઇગ્રન્ટ્સને દર મહિને રવાન્ડા મોકલવાનું અને ઇમીગ્રેશનને અડધુ કરવાનું તથા તેને “દર વર્ષે” ઘટાડવાનું વચન આપ્યું છે. રવાંડા ઇમિગ્રેશન યોજના પર સુનકે કહ્યું હતું કે “તમામ યોજનાઓ અમલમાં છે અને જો હું ફરીથી વડા પ્રધાન તરીકે ચૂંટાઈશ અને જો અમે સરકારમાં હોઈશું, તો તે ફ્લાઇટ્સ રવાન્ડા જશે. માનવાધિકાર પરના યુરોપીયન કન્વેન્શનમાંથી યુકેને હટાવવા બાબતે સુનકે ભારપૂર્વક કહ્યું હતું કે “હું દરેક વખતે ECHR અધિકારક્ષેત્ર સહિત કોઈપણ વિદેશી અધિકારક્ષેત્ર પર આપણા દેશની સુરક્ષા પસંદ કરીશ”
મેનિફેસ્ટોમાં આગામી સંસદના અંત સુધીમાં NHSમાં 92,000 વધુ નર્સો અને 28,000 વધુ ડૉક્ટરોની ભરતી કરવાની જૂના કોમ્પ્યુટરને બદલવા, ટેક્નોલોજીને ભંડોળ પૂરું પાડવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા જેવી બાબતોની જાહેરાત કરી હતી. ફાર્મસી ફર્સ્ટ યોજનાને પણ સરકાર વિસ્તૃત કરવા માંગે છે. આ અગાઉ નવી અને આધુનિક જીપી સર્જરીઓ અને વધુ સામુદાયિક નિદાન કેન્દ્રોની કન્ઝર્વેટિવે પહેલેથી જ જાહેરાત કરી છે.
સુનકે પ્રથમ વખત ઘર ખરીદનારા લોકો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં કાપ, ઘર ખરીદવા માટે નવી હેલ્પ ટૂ બાય સ્કીમ અને ભાડૂતોને પોતાનું ઘર વેચનારા મકાનમાલિકો માટે ટેક્સ કાપની જાહેરાત કરી હતી. સરકાર £425,000 સુધીના ઘર ખરીદનાર ફર્સ્ટ ટાઇમ બાયર પાસેથી કોઇ જ સ્ટેમ્પ ડ્યુટી લેશે નહિં.
લેબર નેતા સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે લેબર કર્મચારીઓ માટે 2p NIના કટ સાથે મેળ ખાશે નહીં. તેમણે ટોરીઝ પર “જેરેમી કોર્બીન-શૈલીનો મેનિફેસ્ટો” લાગુ કરવાનો આરોપ મૂક્યો હતો. ગુરુવારે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરતા પહેલા લેબરે બાળકો માટે વધારાની 100,000 ડેન્ટલ એપોઇન્ટમેન્ટની જાહેરાત કરી હતી. લેબરે અપાયેલા વચનો પર પ્રશ્ન ઉઠાવી મેનિફેસ્ટોને “ઇતિહાસનો સૌથી મોંઘો ગભરાટ ભર્યો હુમલો” ગણાવ્યો હતો. વેસ સ્ટ્રીટીંગે કહ્યું હતું કે “પૈસા નથી” એટલા માટે વચનો પૂરા કરી શકાતા નથી.
કન્ઝર્વેટિવ્સે અત્યાર સુધી જે યોજના જાહેર કરી છે તેમાં લેબરના રિટાયરમેન્ટ ટેક્સથી વિપરીત પેન્શનરોને સ્ટેટ પેન્શન પર આવકવેરો ચૂકવવાથી બચાવવા માટે ટ્રિપલ લોક પ્લસ યોજના છે. તો આવકવેરો, નેશનલ ઇન્સ્યોરંશ અથવા VAT નહિં વધારવાની ગેરંટી આપી છે. આ ઉપરાંત કામના સ્થળની પેન્શન ગેરંટી, પેન્શન પર કોઈપણ નવા કર લાગુ નહિં કરવા અથવા આગામી સંસદના સમયગાળા માટે હાલના કરમાં કોઇ વધારો નહીં કરવાની ગેરંટી આપી છે.
ટોરી દ્વારા કાઉન્સિલ ટેક્સ બેન્ડમાં ફેરફાર નહિં કરવા, ખર્ચાળ કાઉન્સિલ ટેક્સ રિવેલ્યુએશન હાથ ધરવા અથવા કાઉન્સિલ ટેક્સ ડિસ્કાઉન્ટમાં કાપ મૂકવાની પ્રતિબદ્ધતા દ્વારા ફેમિલી હોમ માટે બાંયધરી આપી છે.
મેનિફેસ્ટો લોંચ કરતી વખતે વડાપ્રધાને કહ્યું હતું કે “કન્ઝર્વેટિવ્સ પાસે તમને નાણાકીય સુરક્ષા આપવાની યોજના છે. અમે કામ કરતા લોકોને તેમની કમાણીના વધુ પૈસા પોતાની પાસે રાખી શકે તે માટે સક્ષમ બનાવીશું. કેમ કે તેમણે કમાયેલા નાણાંને ખર્ચવાનો અધિકાર છે. કેર સ્ટાર્મર ખૂબ જ અલગ દૃષ્ટિકોણ ધરાવે છે. તેઓ કહે છે કે તે એક સમાજવાદી છે, અને આપણે જાણીએ છીએ કે સમાજવાદીઓ હંમેશા શું કરે છે. લેબર દ્વારા પહેલેથી જ જાહેર કરાયેલી યોજનાઓ માટે તેમને કામ કરતા પરિવારો પરના ટેક્સમાં £2,094નો વધારો કરવાની જરૂર પડશે. અમને કોવિડને કારણે મુશ્કેલ નિર્ણયો લેવા પડ્યા છે. પરંતુ અમે હવે કમાનારા, માતા-પિતા અને પેન્શનરો માટે ટેક્સમાં ઘટાડો કરી રહ્યા છીએ.’’
તેમણે કહ્યું હતું કે “અમે માનીએ છીએ કે જેઓ કામ કરી શકે છે તેમને સખત મહેનતનું વળતર આપવામાં આવે જેથી તેઓ પોતાના પૈસા વધારે રાખી શકે છે. અમે સુનિશ્ચિત કરીશું કે અમારી પાસે ઓછો વેલ્ફેર ખર્ચો હોય જેથી અમે ટેક્સ ઘટાડી શકીએ.”