રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આશરે 24 વર્ષ જૂના લાલ કિલ્લા હુમલાના કેસમાં દોષિત પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આરીફ ઉર્ફે અશફાકની દયાની અરજી ફગાવી દીધી હતી. 25 જુલાઈ, 2022ના રોજ પદભાર સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ દ્વારા નકારી કાઢવામાં આવેલી આ બીજી દયાની અરજી છે.
સુપ્રીમ કોર્ટે 3 નવેમ્બર, 2022ના રોજ આરિફની સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી અને આ કેસમાં તેને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા યથાવત રાખી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બંધારણની કલમ 32 હેઠળ લાંબા સમય સુધી વિલંબના આધારે દોષિત તેની સજામાં ઘટાડો કરવા માટે ફરીએકવાર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.
અધિકારીના જણાવ્યા અનુસાર 15 મે મળેલી આરિફની દયાની અરજી 27 મે નકારી કાઢવામાં આવી હતી.
મૃત્યુદંડની સજાને યથાવત રાખતા સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે લાલ કિલ્લા પરના હુમલાથી દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ સામે સીધો ખતરો હતો.
દિલ્હીના લાલ કિલ્લા પર 22 ડિસેમ્બર, 2000એ હુમલો થયો હતો. તે સમયે ઘૂસણખોરોએ લાલ કિલ્લાના પરિસરમાં તૈનાત સેવન રાજપૂતાના રાઈફલ્સ યુનિટ પર ગોળીબાર કર્યો હતો તેનાથી સેનાના ત્રણ જવાનોના મોત થયા હતાં.
આરિફ પાકિસ્તાની નાગરિક અને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT)નો સભ્ય છે, હુમલાના ચાર દિવસ પછી દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.