અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટારને ગુપ્ત રીતે નાણા આપવાના કેસમાં દોષિત ઠર્યા પછી હવે બિલિયોનેર્સ દાતાઓ સાથે સમાધાન કરી રહ્યા છે.
પ્રેસિડેન્ટપદના 77 વર્ષના સંભવિત રીપબ્લિકન ઉમેદવારની સરેરાશ અમેરિકનો પાસેથી નાણા એકત્ર કરવાની ક્ષમતાને પડકારી શકાય તેમ નથી અને ન્યૂયોર્કમાં તેમની ઐતિહાસિક સજાએ આ નાણા એકત્ર કરવાની પ્રક્રિયાને જરા પણ નુકસાન કર્યું નથી.
ટ્રમ્પ માટે કેમ્પેઇન કરી રહેલી ટીમના જણાવ્યા મુજબ, તેમણે ગત ગુરુવારના ચુકાદાના 24 કલાકમાં 53 મિલિયન ડોલરથી વધુની રકમ એકત્ર કરી હતી, જેમાં તેમને 2016ની ચૂંટણીને ગેરકાયદે રીતે પ્રભાવિત કરવાના ષડયંત્રમાં ખોટા બિઝનેસ રેકોર્ડ ઉભા કરવાના 34 ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ મોટા દાનવીરો માટે, 2020ની ચૂંટણીમાં જો બાઇડેન સામે પરાજય પછી ટ્રમ્પનું શક્તિશાળી નેતૃત્ત્વ અને વ્યક્તિત્વ નબળું પડી ગયું હતું.
7 જાન્યુઆરી, 2021ના રોજ, ટ્રમ્પના સમર્થકોએ યુએસ કેપિટોલમાં તોડફોડ કર્યાના બીજા દિવસે, બિલિયોનેર ઉદ્યોગપતિ અને રોકાણકાર નેલ્સન પેલ્ટ્ઝે જણાવ્યું હતું કે, તેઓ રીઅલ એસ્ટેટના માંધાતાથી વૈશ્વિક નેતા બનેલા ટ્રમ્પને સમર્થન આપવા બદલ અફસોસ થઇ રહ્યો છે.
ટ્રીયન પાર્ટનર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે મીડિયાને જણાવ્યું હતં કે, “તાજેતરમાં જે કંઇ બન્યું હતું તે શરમજનક છે. હું એક અમેરિકન તરીકે શરમ અનુભવું છું.”
પરંતુ ગત માર્ચ મહિનામાં, પેલ્ટ્ઝે તેમના ફ્લોરિડાના ઘરે ટ્રમ્પનું ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ વડા એલન મસ્ક સહિત અન્ય ઉચ્ચ મહાનુભાવોને નાસ્તા માટે એકત્ર કર્યાનું વોશિંગ્ટન પોસ્ટના એક રીપોર્ટમાં જણાવાયું હતું. અંતે તો વોલ સ્ટ્રીટ અને મોટી ઓઇલ કંપનીઓ ટ્રમ્પના સમર્થનમાં છે, જ્યારે સિલિકોન વેલી બાઇડેનના સમર્થનમાં છે. 5 નવેમ્બરે મતદારો કદાચ બિલિયોનેર્સ દ્વારા ચૂકવાયેલા મિલિયન્સ ડોલરની જાહેરાતોથી પ્રભાવિત થઇને અંતિમ નિર્ણય લેશે.