ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
દ્રાક્ષાસવ શું છે?
દ્રાક્ષમાંથી આસવ પ્રક્રિયાથી બનાવેલ પ્રવાહી તે દ્રાક્ષાસવ. દ્રાક્ષાસવનાં ગુણો – Qualities અને ઉપયોગ – Benefits વિશે સુશ્રુતસંહિતા, નિધંટુઓમાં વિશેષ ઉલ્લેખ છે.
સંસ્કૃતમા દ્રાક્ષને માર્દવિકા કહે છે. દ્રાક્ષમાંથી બનતો આસવ માર્દવિકમ કહેવાય છે.
• માર્દવિકમ અવિધાહિત્વત – વાઇન પેટમાં બળતરા નથી કરતુ. મધુર-સ્વાદમા ગળી.
• રક્તપિત્તાપિ સતતમ બુદ્ધૈર્ણા પ્રતિસિધ્યતે -બળતરા ન કરે તેવું અને ગળ્યું હોવાથી પિત્તાધિક્યવાળી વ્યક્તિને નુકસાન નથી કરતું. બીજા આલ્કોહોલિક ડ્રિંક્સની માફક પિત્ત વધારતું નથી. જોકે પ્રમાણ વગેરે અન્ય બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી.
• રુક્ષંચ – શોષણ કરવાનો ગુણ ધરાવે છે.
• લઘુ – સરળતાથી પચે છે. શોષણ કરનાર અને હલકો હોવાથી કફથી થતાં રોગ મેદ, કોલેસ્ટેરોલની અનિયમિતતા, હાઇબ્લડ પ્રેશરમા પ્રમાણ વગેરે ધ્યાનનમાં રાખી ઉપયોગ કરવાથી ફાયદાકારક.
• લઘુપાકી – સરમ્ – શોષ વિષમનવર નાશનમ્ – સરળતાથી પચે તેવો, મળ વગેરે ધાતુને સરળતાથી પ્રવાહણ કરાવે, ક્રોનિક ફિવર મટાડનાર.
• મૂર્છા – દાહ – સ્થાપહમ – બેભાનપણું, તરસ, મટાડનાર જેવા ગુણો સાથે.
• પાંડુ – એનિમિયા – વોર્મ-કૃમી, પેશાબ વધુ થવો, પાઇલ્સ, હૃદયરોગ જેવા રોગમાં ઉપયોગી છે.
• ખૂબ તરસ લાગતી હોય, મોં સૂકાતું હોય, પિત્ત વધવાથી થતાં ચામડીનાં રોગ વગેરેમાં પણ દ્રાક્ષમાંથી યોગ્ય
પદ્ધતિથી બનતા આસવનો પ્રમાણસર ઉપયોગ ફાયદાકારક જણાવાયો છે.
દ્રાક્ષનાં ગુણોને ધ્યાનમાં રાખી સાકર વગેરેની યોગ્ય પસંદગી – પદ્ધતિથી બનતો દ્રાક્ષાસવ આયુર્વેદના નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન મુજબ લેવાથી ફાયદો થાય છે. નશો કરવા માટે કે હાર્ટ માટે સારો છે કે કબજિયાત મટાડે એવી સાદી સમજથી પ્રમાણભાન વગર ઉપયોગ કરવો નહીં.
દ્રાક્ષાસવ અને દ્રાક્ષારિષ્ટ બંને અલગ પદ્ધતિથી બનતી દવાઓ છે. અરિષ્ટ વધુ દાહક અને શરીરમાં ઝડપથી અસર કરતું શીઘ્ર ઔષધ છે, એ વિશે યોગ્ય માહિતી અને પ્રેક્ટિકલ નોલેજ ધરાવતાં ડોક્ટર – ડાયેટ થેરાપીમાં સૂચવે તે રીતે ઉપયોગ કરવાથી પાચન, મેટાબોલિઝમ, સ્કીન ડિસિઝ વગેરેમાં ઝડપથી સારા પરિણામ મળે છે.
અન્ય આલ્કોહોલિક ડ્રિંક્સ અને દ્રાક્ષાસવ
દ્રાક્ષમાંથી બનતો દ્રાક્ષાસવ દ્રાક્ષને કારણે આરોગ્ય માટે વધુ ફાયદાકારક છે. દ્રાક્ષનાં ગુણો – ઉપયોગો વિશે જાણવાથી આ બાબત વધુ સ્પષ્ટ થાય. અન્ય આલ્કોહોલિક ડ્રિંક્સ કયા પદાર્થમાંથી બને છે, કેટલા પ્રમાણમાં આથો – આવવાની પ્રક્રિયા થઇ છે વગેરે બાબતોને આધારે તેની શરીર પર દાહક – તીક્ષ્ણ – માદક અસર થતી હોય છે. જે ખૂબ વિગતે – વિસ્તારથી સમજવું પડે.
દ્રાક્ષના હેલ્થ બેનિફિટસ
લીલી દ્રાક્ષ – સ્વાદમાં ખાટી, મીઠી, ખાવાના તરફ રૂચી પેદા કરે તેવા ગુણો ધરાવે છે. ખાટા રસને કારણે વાયુના રોગમાં લીલી દ્રાક્ષ ફાયદો કરે છે.
પાકી દ્રાક્ષ – સ્વાદમાં મીઠી, થાક ઉતારવામાં મદદરૂપ, શીતળ અના શામક ગુણો ધરાવે છે. રૂચિ પેદા કરે છે, પેશાબ સાફ લાવવામાં મદદરૂપ છે. પિત્તના રોગો, ભ્રમ (ચક્કર આવવા), શ્વાસ, ઉલટી, પેટમાં આફરો થવા જેવા રોગમાં ફાયદો કરે છે.
કાળી દ્રાક્ષ – હૃદયને ગપણકારી છે. શ્રમ અને તરસ મટાડે છે. સ્નિગ્ધ અને વાતાનુલોમક ગુણને કારણે કબજિયાત દૂર કરે છે.
સૂકી કાળી દ્રાક્ષ – હૃદયને ગુણકારી, શરીરમાં ઠંડક કરવાના ગુણવાળી, વૃષ્ય-પૌરૂષ શક્તિ વધારનાર છે. ઉલટી – ઊબકા જેવા પિત્તની વિકૃતિથી થતી પાચનની તકલીફમાં ફાયદો કરે છે.
નાની બીજ વગરની સૂકી – દ્રાક્ષ – મીઠી. રસાળ, થોડી ખાટી, શ્વાસ – ઉધરસ, ગળાના રોગ મટાડે છે. તાવ આવ્યા પછી મોં બેસ્વાદ બની ગયું હોય. કડવું થઇ ગયું હોય તેવા સમયે ચાવીને ખાવાથી મોંની સ્વાદ પારખવાની શક્તિ સુધરે છે.
આધુનિક વિજ્ઞાન દ્રાક્ષમાં રહેલાં વિવિધ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ તત્વોને કારણે દ્રાક્ષનો સમાવેશ પાવરફૂડ્સમાં કરે છે. દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં રહેલા એન્ડીઓક્સિડન્ટ્સ, – પોલીફેનોલ્સને કારણે દ્રાક્ષનો ખાવામાં ઉપયોગ કરવાથી હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીસ, હાયબ્લડપ્રેશર, એલર્જી, ડાયાબેટીક ન્યુરોપથી જેવા રોગની સામે શરીરનું રક્ષણ કરે છે.
દ્રાક્ષમાં રહેલાં વિવિધ તત્વો જેવા કે પોટેશ્યમ, રેસવેરાટોલ, ક્વેરસેટીનને કારણે દ્રાક્ષ એન્ટીઇન્ફમેટરી, એન્ટીએલર્જીક, એન્ટીહાઇપર ટેન્સીવ પોલિફિનોલને કારણે હૃદયનું રક્ત સંચારણનું કામ સુધરે છે. દ્રાક્ષમાં રહેલ ફ્લેવેનોઇડ ક્વેસેટીનના પ્રભાવથી રક્તવાહિનીઓમાં થતી એથેરોસ્કરોસીસની પ્રક્રિયામાં સુધારો થતો જોવા મળ્યો છે. આમ દ્રાક્ષમાં રહેલાં વિવિધ તત્વો અને તેની આરોગ્ય પર થતી અસર વિશે અનેક સંશોધનોથી “હેલ્થફૂડ”માં સ્થાન મળ્યું છે.
દ્રાક્ષના વિવિધ ઔષધિય ઉપયોગ
કબજિયાત માટે – દ્રાક્ષમાં રહેલું પ્રવાહી, રેસા, સ્નિગ્ધતાને કારણે તાજી દ્રાક્ષનો ચાવીને ખાવામાં ઉપોગ કરવો.
સૂકી – કાળી દ્રાક્ષને ચાર ગણા પાણીમાં રાતભર પલાળી સવારે ચોળી અને કૂચા સાથે પાણી પી જવાથી, આંતરડાની નબળાઇ દૂર થાય છે. આંતરડાની નબળાઇ દૂર થાય છે. આંતરડામાં થતી પૂરઃસરણ ગતિમાં નિયમિતતા આવી, મળ સાફ થાય છે.
પેશાબ રોકાઇને થતો હોય – મૂત્રકૃચ્છ – પેશાબ સરળતાથી ન થતો હોય તેવા રોગમાં 40 ગ્રામ દ્રાક્ષને ચારગણા પાણીમાં પલાળી સવારે હાથથી મસળી, તે નરણા કોઠે પીવાથી અટકી – અટકીને થતી મૂત્ર પ્રવૃત્તિમાં ફાયદો થાય છે.
એસિડિટી – છાતીમાં બળતરા – કાળી દ્રાક્ષ રાત્રે પલાળી સવારે મસળી, પાણીને ગાણી તેમાં જીરાનો પાવડર અને સાકર ભેળવી પીવાથી છાતીમાં પિત્તના ઉબકા આવવા, બળતરા થવી જેવી હાયપર એસિડીટીથી થતી તકલીફમાં રાહત થાય છે.
સ્ત્રીરોગ – મેનોપોઝ, હોટફ્લેશીઝ, વધુ પડતો માસિકસ્રાવ – સ્ત્રીઓની માસિકસ્રાવ સંબંધિત તકલીફ માટે કાળી દ્રાક્ષ, વરિયાળી, સાકરને રાતભર પલાળી સવારે ચોળી અને પીવાનો પ્રયોગ ખૂબ પ્રચલિત છે. આ પીણું પ્રચલિત છે તેનું કારણ તે સ્વાદિષ્ટ પણ છે. અને અસરકારક તો છે જ. આધુનિક સંશોધનો પણ મેનોપોઝમાં થતી હોટફ્લેશીઝ અને મૂડસ્વીંગ જેવી હોર્મોનલ ઇમ્બેલેવ્સથી થતી તકલીફ માટે દ્રાક્ષમાં રહેલા વિવિધ તત્વોને ઉપયોગી જણાવે છે.
દ્રાક્ષમાંથી બનતા વિવિધ ઔષધો
દ્રાક્ષાસવ – દ્રાક્ષ સાથે બીજા અન્ય ઔષધો ઉમેરી અને આસવ પ્રક્રિયાથી બનાવવામાં આવતું પ્રવાહી ઔષધ દ્રાક્ષાસવ પાચન સંબંધિત રોગો, નબળાઇ, વજન ઓછું હોવું, કબજિયાત, શરીરમાં દાહ થવો, ઉંઘ ન આવવી જેવા અનેક રોગોમાં ખૂબ મદદરૂપ છે.
દ્રાક્ષાવલેહ – દ્રાક્ષને દૂધમાં વાટી, ઘીમાં શેકી અને તેમાં સાકર જાયફળ, જાવંત્રી, એલચી, વંશલોચન, તજ, તમાલપત્ર, નાગકેસર, કમળ કાકડીનું ચૂર્ણ ઉમેરી બનાવવામાં આવે છે.
• પિત્તની વિકૃતિથી થતાં રોગોમાં ખાસ કરીને લીવરની નબળાઇને કારણે અપચો, લોહીની કમી, ભૂખ ન લાગવી જેવી તકલીફમાં ફાયદો કરે છે. યોગ્ય માર્ગદર્શન હેઠળ ઉપયોગથી ફાયદો થાય છે.
અનુભવસિદ્ધ
લીલી, કાળી, સૂકી દરેક દ્રાક્ષમાં રહેલાં વિવિધ ગુણોનો લાભ લેવા ઋતુમાં મળતી તાજી દ્રાક્ષનો ઉપયોગ કરવો.
•ઉનાળામાં સૂકી કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સાકર – જીરૂ ઉમેરી શરબત બનાવી પીવું. ગરમીથી થતાં રોગમાં ખૂબ ફાયદાકારક છે.