(ANI Photo)

ગુજરાતમાં 12 જૂને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટી તેજ બનતાં અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર- કચ્છના કેટલાંક વિસ્તારો, સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર સહિતના કેટલાંક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ દિવસથી તોફાની પવન સાથે ઝાપટાં પડતાં લોકોને અસહ્ય બફારામાં થોડી રાહત મળી હતી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 12 જૂન સુધી પ્રતિ કલાક 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી.

રાજ્યમાં બફારા વચ્ચે ઘણા વિસ્તારોના હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદ પણ વરસ્યો છે. ઝાપટા પડવા છતાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગરમી ઘટવાનું નામ લેતી નથી અને હજુ પણ તાપમાન 42.4 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલીના ખાંભા, ગીરસોમનાથના ઉના, સુરેન્દ્રનગરના સાયલા, ભાવનગર,બોટાદ, કચ્છના વાગડ પંથક તેમજ અન્ય વિસ્તારોમાં પણ હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. ભાવગનરમાં તોફાની પવન ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતાં

સુરતમાં વરસાદના ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સુરત શહેર અને જિલ્લાના લગભગ તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. રાત્રિના 12 વાગ્યાથી લઈ સવારના છ વાગ્યા સુધીમાં પડેલા વરસાદમાં સૌથી વધુ માંગરોળમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે સુરત સિટીમાં 5 મિમિ વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શનિવારે મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર પ્રાંતિજ અને વિજયનગર તાલુકામાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોવાઈ ગયો હતો. જ્યારે અરવલ્લી જિલ્લા મોડાસા, ભિલોડા પંથકમાં રાત્રિના સુમારે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાયો હતો.

હિંમતનગરમાં મોડી રાત્રે વરસાદ વરસતાં ટાવર ચોક, બેરણા રોડ સહિતના રસ્તા ઉપર પાણી ભરાઈ હતા. હિંમતનગરમાં 13 મીમી, પ્રાતિજમાં ચાર મીમી અને વિજયનગરમાં બે મીમી વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મોડાસા, ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારોમાં શનિવારે રાત્રિના સુમારે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન પહેલા પ્રી-મોન્સૂન વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ખેડૂતોને ચોમાસું સારું રહેવાની અપેક્ષા છે.

LEAVE A REPLY