વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં આ વખતે કોઇ મુસ્લિમ સાંસદને પ્રધાન બનાવવામાં આવ્યા નથી. દેશમાં ચૂંટણી પછી કોઈ મુસ્લિમ સાંસદે પ્રધાન તરીકે શપથ ન લીધા હોય તેવું કદાચ પ્રથમ વખત બન્યું છે.
2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત શપથ લીધા હતાં, ત્યારે નજમા હેપતુલ્લાએ શપથ લીધા હતાં અને તેમને લઘુમતી બાબતોના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 2019માં મુખ્તાર અબ્બાસ નકવીએ શપથ લીધા હતાં અને તેઓ પણ લઘુમતી બાબતોના પ્રધાન બન્યા હતાં.
પ્રધાનમંડળમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ન હોવાનું એક કારણ એ છે કે ભાજપ અને NDAના ઘટક પક્ષોમાંથી એક પણ મુસ્લિમ ઉમેદવાર 18મી લોકસભામાં ચૂંટાયો નથી. લોકસભાની ચૂંટણીમાં કુલ 24 મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા છે. આમાંથી 21 મુસ્લિમ ઉમેદવારો વિપક્ષ ઇન્ડિયા બ્લોકમાંથી ચૂંટાયા છે.બાકીના ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના અસદુદ્દીન ઓવૈસી અને બે અપક્ષો અબ્દુલ રશીદ શેખ અથવા ‘એન્જિનિયર રાશિદ’ અને જમ્મુ અને કાશ્મીરના મોહમ્મદ હનીફા છે.
2004 અને 2009ના પ્રધાનમંડળમાં અનુક્રમે ચાર અને પાંચ મુસ્લિમ સાંસદ હતા. 1999માં પણ અટલ બિહારી વાજપેયી સરકારની સરકારમાં બે મુસ્લિમ હતાં.
જોકે 72 સભ્યોના પ્રધાનમંડળમાં પાંચ લઘુમતી ચહેરાઓ છે. રવિવારે શપથ લેનારા લઘુમતી સમુદાયના પાંચ પ્રધાનોમાં કિરેન રિજિજુ અને હરદીપ પુરી, (બંને કેબિનેટ પ્રધાનો) તથા રાજ્ય રવનીત સિંહ બિટ્ટુ, જ્યોર્જ કુરિયન અને રામદાસ આઠવાલેનો સમાવેશ થાય છે. આનો અર્થ એવો થાય છે કે પ્રધાનમંડળમાં લઘુમતી સમુદાયનું પ્રતિનિધિત્વ માત્ર 5 ટકા રહ્યું છે.