વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં સરકારમાંથી આશરે 37 પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા છે અને તેમાં કેબિનેટ રેન્ક ધરાવતા સાતનો સમાવેશ થાય છે. પડતા મૂકાયેલા પ્રધાનોમાં સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અને નારાયણ રાણેનો સમાવેશ થાય છે.
પરષોત્તમ રૂપાલા, અર્જુન મુંડા, આરકે સિંહ અને મહેન્દ્ર નાથા પાંડે પણ અગાઉની મોદી સરકારમાં કેબિનેટ પ્રધાનના હોદ્દા પર હતાં, પરંતુ રવિવારે શપથ લેનાર પ્રધાનમંડળમાં તેમને જાળવી રાખવામાં આવ્યાં ન હતાં.
સ્વતંત્ર હવાલો ધરાવતા ત્રણેય પ્રધાનોને યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે રાજ્ય કક્ષાના 42 પ્રધાનોમાંથી 30ને પડતા મૂકવામાં આવ્યા છે. રીપીટ કરાયા નથી તેમાં વીકે સિંહ, ફગ્ગનસિંહ કુલસ્તે, અશ્વિની ચૌબે, દાનવે રાવસાહેબ દાદારાવ, સાધ્વી નિરંજન જ્યોતિ, સંજીવ બાલ્યાન, રાજીવ ચંદ્રશેખર, સુભાસ સરકાર, નિસિથ પ્રામાણિક, રાજકુમાર રંજન સિંહ અને પ્રતિમા ભૌમિકનો સમાવેશ થાય છે. મીનાક્ષી લેખી, મુંજપરા મહેન્દ્રભાઈ, અજય કુમાર મિશ્રા, કૈલાશ ચૌધરી, કપિલ મોરેશ્વર પાટીલ, ભારતી પ્રવિણ પવાર, કૌશલ કિશોર, ભગવંત ઘુભા અને વી. મુરલીધરનને પણ જાળવી રાખવામાં આવ્યા નથી.
પડતા મૂકવામાં આવેલા પ્રધાનોમાંથી 18 ચૂંટણી હારી ગયા હતા. એલ મુરુગન અગાઉની સરકારના એક માત્ર રાજ્ય પ્રધાન છે જે ચૂંટણી હારી ગયા હતાં પરંતુ તેમને યથાવત રાખવામાં આવ્યા છે. તેઓ પહેલાથી જ રાજ્યસભાના સભ્ય છે.
મોદી સરકારના બંને કાર્યકાળમાં કેબિનેટ પ્રધાન રહી ચૂકેલા સ્મૃતિ ઈરાની અમેઠીથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સહયોગી કિશોરી લાલ શર્મા સામે 1.69 લાખ મતોના માર્જિનથી હાર્યા હતા. રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા અગાઉની સરકારમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી પ્રધાન હતા.