ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મનસુખ માંડવિયાએ રવિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. (ANI Photo)

નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ થયેલા ગુજરાતના સાંસદોની સંખ્યા આ વખતે સાતથી ઘટીને છ થઈ ગઈ છે. ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા અમિત શાહ, મનસુખ માંડવિયા અને એસ જયશંકરે સતત બીજી વખત કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતાં.  બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણને પડતા મૂકવામાં આવ્યાં છે. અગાઉની મોદી સરકારમાં વિદેશ પ્રધાન રહી ચુકેલા એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા છે.

રાજ્ય ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ તેમજ પાર્ટી અધ્યક્ષ અને ગુજરાતથી રાજ્યસભા સાંસદ જેપી નડ્ડા તથા ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયાને પ્રધાન બનાવવામાં આવ્યાં છે.

અગાઉની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાને પડતા મૂકવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ક્ષત્રિય/રાજપૂત સમુદાય અંગેની તેમની વિવાદાસ્પદ ટીપ્પણીને કારણે ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ હતી.

ત્રણ વખત રાજ્યસભાના સભ્ય તરીકે પુરુષોત્તમ રૂપાલાએ અગાઉની બંને મોદી સરકારોમાં પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ 2016 અને 2021 વચ્ચે કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજના કેન્દ્રીય રાજ્ય પ્રધાન હતા. જુલાઈ 2021થી તેઓ મત્સ્ય, પશુપાલન અને ડેરીના કેન્દ્રીય પ્રધાન હતા.

આ વખતે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ પડતા મૂકવામાં આવ્યા છે.. તેઓ અગાઉ કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. અગાઉની સરકારમાં મહિલા અને બાળ વિકાસ રાજ્ય પ્રધાન તરીકે ફરજ બજાવનારા મહેન્દ્ર મુંજપરાને પાર્ટી દ્વારા 2024ની લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી ન હતી. અગાઉની મોદી સરકારમાં રેલ્વે અને કાપડ રાજ્ય પ્રધાન દર્શના જરદોશ 2024ની લોકસભાની ચૂંટણી લડ્યાં  ન હતા.

LEAVE A REPLY