FILE- Reserve Bank of India (RBI) office in Kolkata
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક યુકેમાંથી 100 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ ભારતમાં લાવી છે, કારણ કે ભારતમાં પૂરતી સ્ટોરેજ ફેસિલિટી છે અને તેના બીજા કોઇ અર્થ ન કાઢવા જોઇએ.
RBIએ FY24માં યુકેમાં સંગ્રહિત તેનું 100 મેટ્રિક ટન સોનું સ્થાનિક તિજોરીઓમાં ખસેડ્યું હતું. 1991 પછી દેશ દ્વારા હાથ ધરવામાં આવેલી સોનાની આ સૌથી મોટી મુવમેન્ટ હતી. 1991માં ભારતમાં નાણાકીય કટોકટીને કારણે ગોલ્ડ હોલ્ડિંગ ગીરવે મૂકવું પડ્યું હતું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર દાસે જણાવ્યું હતું કે બહાર સંગ્રહિત સોનાનો જથ્થો લાંબા સમય સુધી સ્થિર હતો. તાજેતરના વર્ષોમાં, ડેટા દર્શાવે છે કે રિઝર્વ બેંક તેના રિઝર્વ સ્ટોકના ભાગ રૂપે સોનું ખરીદી રહી છે અને તેનું પ્રમાણ વધી રહ્યું છે. આપણી પાસે સ્થાનિક (સ્ટોરેજ) ક્ષમતા છે. તેથી  અમે વિદેશમાં રહેલી ગોલ્ડ રિઝર્વના એક હિસ્સાને ભારતમાં લાવવાનો નિર્ણય કર્યો હતો. તેના બીજા કોઇ અર્થ કાઢવા જોઇએ નહીં.
સત્તાવાર ડેટા મુજબ FY24માં ભારતના કુલ ગોલ્ડ રિઝર્વમાં 27.46 મેટ્રિક ટનનો વધારો થયો છે અને હાલમાં ગોલ્ડ રિઝર્વ 822 મેટ્રિક ટન છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક તેની કેટલીક ગોલ્ડ રિઝર્વને વિદેશમાં સ્ટોર કરે છે. ભારત પણ બીજા દેશોની જેમ બેન્ક ઓફ ઇંગ્લેન્ડમાં ગોલ્ડ હોલ્ડિંગ રાખે છે. ભારતમાં 100 મેટ્રિક ટનની હિલચાલથી ગોલ્ડ લાવવામાં આવ્યું હોવાથી સ્થાનિક ગોલ્ડ રિઝર્વ વધીને 408 મેટ્રિક ટન થયું છે.

LEAVE A REPLY