ખોટી રજૂઆત દ્વારા છેતરપિંડીનો આરોપ અને કંપની એક્ટ હેઠળ ગુનો કબૂલ્યા બાદ કોવિડ છેતરપિંડી માટે જેલમાં મોકલવામાં આવેલા કરી હાઉસના ભૂતપૂર્વ માલિક સૈયદ હુસૈનને £ 36,000થી વધુ રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૈયદ હુસૈનને 18 મહિનાની જેલ કરવામાં આવી હતી અને ઓગસ્ટ 2023 માં કંપનીના ડિરેક્ટર તરીકે ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
હુસૈને છેતરપિંડીથી મે 2020 માં £50,000 ની બાઉન્સ બેક લોન મેળવી હતી જ્યારે મેટલોક, ડર્બીશાયરમાં ભૂતપૂર્વ મોજા ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી નિયમોનો ભંગ કરવા બદલ સસ્પેન્ડેડ સજા ભોગવી હતી. જે દિવસે તેના બેંક ખાતામાં ભંડોળ દેખાયું તે જ દિવસે સૈયદે તેની મેજિક ઓફ સ્પાઇસ લિમિટેડ કંપનીનું વિસર્જન કર્યું હતું.
પ્રોવિડન્ટ સ્ટ્રીટ, ડર્બીના હુસૈનને શુક્રવારે 17 મેના રોજ ડર્બી ક્રાઉન કોર્ટમાં જપ્તીની સુનાવણી દરમિયાન £36,200 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ડર્બી ક્રાઉન કોર્ટે હુસૈનને પૈસા ચૂકવવા અથવા વધારાની 18 મહિનાની જેલ ભોગવવા ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. જો તે પાલન કરવામાં નિષ્ફળ જાય અને તેને જેલમાં પરત કરવામાં આવે તો હુસૈનને આદેશ આપવામાં આવેલી સંપૂર્ણ રકમ બાકી રહેશે.