પોતાના ક્ષેત્રમાં “તેજસ્વી” તરીકે ઓળખાતા માન્ચેસ્ટર સ્થિત નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના કન્સલ્ટન્ટ હેમેટોલોજિસ્ટ અને હિમોફેગોસિટીક લિમ્ફોહિસ્ટિઓસાયટોસિસ (HLH) નેશનલ મલ્ટી-ડિસિપ્લિનરી ટીમ (MDT)ના સભ્ય પ્રોફેસર અમિત પટેલનું મૃત્યુ તેમની સાર-સંભાળમાં દાખવવામાં આવેલી નિષ્ફળતાને કારણે થયું હતું, અને તેમનું મૃત્યુ ટાળી શકાય તેવું હતું. તેમને જાણ કરીને તેમને સંમતિ આપવાની તક આપ્યા વગર તબીબી પ્રક્રિયાને આધિન કરવામાં આવ્યા હોવાના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા એવું બે વર્ષની તપાસના અંતે કોરોનરે તારણ કાઢ્યું છે.
ઓગસ્ટ 2021માં, 43 વર્ષીય પ્રોફેસર અમિત પટેલને શંકાસ્પદ HLH સાથે માન્ચેસ્ટરની હોસ્પિટલમાં દાખલ કરાયા અને અઠવાડિયાઓ પછી ઓક્ટોબરમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના મોત અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી અને કોરોનરે એપ્રિલ-મે માસમાં તેમની સારવાર સાથે સંકળાયેલા નિષ્ણાતો પાસેથી પુરાવા મેળવીને અને પરિવારના સભ્યોને સાંભળ્યા બાદ મુલતવી રાખી હતી, જે તપાસ આ અઠવાડિયે પૂર્ણ થઈ હતી.
ગુરૂવારે બહાર પાડવામાં આવેલા માન્ચેસ્ટર કોરોનરના ચુકાદામાં નોંધ કરવામાં આવી હતી કે “નેશનલ HLH MDT ની ભલામણને પગલે મૃતક પ્રો. પટેલ પર 2જી સપ્ટેમ્બર 2021ના રોજ EBUS [એન્ડોબ્રોન્ચિયલ અલ્ટ્રાસાઉન્ડ] પ્રોસીઝર કરવામાં આવી હતી. આ ભલામણ મૃતકના ક્લિનિકલ કેસની અપૂર્ણ રજૂઆત પર આધારિત હતી, અને તેથી તે ક્યારેય થવી જોઈતી ન હતી. જો નેશનલ HLH MDT સમક્ષ તમામ સંબંધિત અને સરળતાથી ઉપલબ્ધ એવી માહિતી રજૂ કરાઇ હોત, તો EBUS પ્રોસેસ 2જી સપ્ટેમ્બર 2021ના રોજ આગળ વધી ન હોત, અને 28મી ઓક્ટોબર 2021ના રોજ તેમનું મૃત્યુ થયું ન હોત. આ ઉપરાંત મૃતક પ્રો. પટેલને તેમના પર થનારી EBUS પ્રોસેસ માટે 2જી સપ્ટેમ્બર 2021ના રોજ જાણકાર સંમતિ આપવાની તક અપાઇ ન હતી. આ બે પરિબળો સંભાવનાઓના સંતુલન પર પ્રો. પટેલના મૃત્યુમાં ઓછામાં ઓછા ફાળો આપે છે એમ તપાસના તારણમાં જણાવાયું હતું.
કોરોનર ઝેક ગોલોમ્બેકે પ્રો. પટેલ અને તે તમામ લોકો વચ્ચેના “પરસ્પર પ્રેમ”ની ખાસ નોંધ લીધી હતી જેઓ તેમને સમગ્ર તપાસની કાર્યવાહી દરમિયાન કોર્ટમાં સ્પષ્ટપણે જાણતા હતા. પૂછપરછમાં તેમણે સાંભળ્યું હતું કે પ્રો. પટેલ એક રોગપ્રતિકારક પ્રતિક્રિયા – HLH ના જીવલેણ સ્વભાવથી વાકેફ હતા અને તેમની પોતાની જનરલ પ્રેક્ટિશનર પત્ની શિવાની તન્નાને ચેતવણી આપી હતી કે તેમને ભય હતો કે તેઓ મરી જશે.
કોરોનરે તેમના અહેવાલમાં નોંધ્યું હતું કે ‘’પ્રોફેસર પટેલ એક અદ્ભુત માનવી હતા અને મને ખાતરી છે કે તેઓ પતિ અને પિતા તરીકેની તેમની સિદ્ધિઓ છે જે તેમને પ્રેમ કરનારાઓ માટે સૌથી વધુ ચમકે છે. તેઓ સ્પષ્ટપણે એક તેજસ્વી માણસ હતા જેનો વારસો તેમની શૈક્ષણિક અને વ્યાવસાયિક સિદ્ધિઓથી આગળ વધશે. હું આશા રાખું છું કે તમે બધાએ એકસાથે શેર કરેલી સ્મૃતિઓ મારી તપાસને આધિન રહેલા સમયની બહાર તેજસ્વી રીતે ચમકશે.”
કોરોનર ઝેક ગોલોમ્બેકે એ પણ શોધી કાઢ્યું હતું કે ‘’પોતે આ ક્ષેત્રના નિષ્ણાત હોવાને કારણે પ્રોફેસર પટેલની સામાન્ય દર્દીની જેમ સારવાર કરવામાં આવી ન હતી. તેમની તબીબી જ્ઞાનની અસંદિગ્ધ સંપત્તિ હોવા છતાં, તેમના પર થનારી પ્રોસીઝર માટે તેમને જ ધ્યાનમાં લેવાની તક આપવામાં આવી ન હતી, અને તેની અસર કેમના ક્લિનિકલ કોર્સ (સારવાર) પર તેની થઇ હતી.”
માન્ચેસ્ટર યુનિવર્સિટી NHS ફાઉન્ડેશન ટ્રસ્ટે જણાવ્યું હતું કે તેણે પ્રો. પટેલને હોસ્પિટલમાં હતા ત્યારે મળેલી સંભાળની સંપૂર્ણ તપાસ કરીને વિગતવાર તપાસ હાથ ધરી છે.
ટ્રસ્ટના જોઇન્ટ ગૃપ ચિફ મેડિકલ ઓફિસર જેન એડલસ્ટને જણાવ્યું હતું કે “અમે અમારા દર્દીઓ માટે શક્ય તેટલી શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે અમારા દર્દીઓની સલામતી, સંભાળની ગુણવત્તા અને અનુભવને સુધારવા માટે આમાંથી શીખેલા પાઠને અમે સતત કાર્યમાં લાગુ કરીશું.”