ઉત્તરપ્રદેશ રાયબરેલી અને કેરળની વાયનાડ એમ બંને લોકસભા બેઠકો પર જંગી માર્જિનથી વિજય બન્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે કઈ બેઠક છોડવી તે નિર્ણય કરવાનું મુશ્કેલ બન્યું છે. રાહુલ ગાંધીએ આ અંગે 15 દિવસમાં નિર્ણય કરવો પડશે, પરંતુ પાર્ટીના નેતાઓ તેમને રાયબરેલી જાળવી રાખવાની રજૂઆત કરી રહ્યાં છે. નિયમો મુજબ જો કોઇ ઉમેદવાર બે બેઠકો પરથી વિજયી બને તો તેને ચૂંટણીની તારીખથી 14 દિવસમાં એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે.
કોંગ્રેસ નેતાએ રાયબરેલી લોકસભા બેઠક પર આશરે 3.90 લાખ અને વાયનાડ બેઠક પર આશરે 3.64 લાખ મતના જંગી માર્જિનથી વિજય મેળવ્યો છે. યુપી કોંગ્રેસ કમિટી (UPCC)ના પ્રમુખ અજય રાયે જણાવ્યું હતું કે અમે રાહુલ ગાંધીને રાયબરેલી બેઠક જાળવી રાખવા વિનંતી કરીશું. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા આરાધના મિશ્રા ‘મોના’એ જણાવ્યું હતું કે બંને લોકસભા મતવિસ્તારના લોકોએ રાહુલ ગાંધીને મોટા માર્જિનથી વિજયી બનાવ્યા છે, તેથી તેમના માટે એક બેઠકની પસંદગી મુશ્કેલ હશે.
રાયબરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના વડા પંકજ તિવારીએ જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા સીટ જાળવી રાખે. પરંતુ જો તેઓ વાયનાડને જાળવી રાખવાનો નિર્ણય કરે છે, તો અમે કોંગ્રેસ હાઈકમાન્ડને વિનંતી કરીશું કે ગાંધી પરિવારના કોઈ સભ્યને ચૂંટણીમાં ઉતારો. બીજી કોઇ ઉમેદવાર સ્વીકાર્ય નહીં હોવાથી પસંદગી પ્રિયંકા ગાંધીની હોવી જોઈએ.