એક સમયે બોલીવૂડમાં હોટ અભિનેત્રીનું બિરુદ પામેલી બિપાશા બાસુનું જીવન બદલાઇ ગયું છે. તે અત્યારે ફિલ્મોના બદલે અંગત જીવનને મહત્ત્વ આપી રહી છે. તે છેલ્લે 2020માં વેબ સીરિઝ ‘ડેન્જરસ’માં જોવા મળી હતી. આ ઉપરાંત તે અત્યારે તેની દીકરી દેવીની સંભાળ રાખવામાં પણ વ્યસ્ત રહે છે, જેના કારણે તે ફિલ્મો-અભિનયથી દૂર છે. તેની પાસે જે સમય બચે છે તેનો ઉપયોગ તે પુસ્તક લખવામાં કરી રહી છે.
તે અત્યાર સુધીના પોતાના જીવનના અનુભવો વિશે પુસ્તક લખી રહી છે. તે પોતાના જીવન અંગે તેના ચાહકોને કંઇક જણાવવા ઇચ્છે છે અને તેથી તેણે તે માટે પુસ્તક લખવાનો નિર્ણય કર્યો હતો.
અક્ષયકુમારની પત્ની ટ્વિન્કલ ખન્ના પણ લેખિકા તરીકે જાણીતી બની હતી. આ પુસ્તક લેખન અંગે બિપાશાએ એક મીડિયા મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેનું જીવન અનિશ્ચિતતાથી ભરેલું છે. તેમાં જેટલા પડકારો છે, એટલા જ આશીર્વાદ પણ છે. જોકે, આટલાં વર્ષોમાં તેને સમજાયું છે કે, જીવનમાં હકારાત્મક બાબત પર ધ્યાન આપવું અને દરરોજ નવી ઊર્જાથી ભરપૂર રહેવું જોઇએ.
જીવનમાં તેને જે અનુભવો થયા છે તેને ચાહકો સુધી પહોંચાડવાની ઈચ્છાથી તે આ પુસ્તક લખી રહી છે. તેનું આ પુસ્તક 2025ના વર્ષમાં પ્રકાશિત થશે. આ પુસ્તકનું શીર્ષક હજુ નક્કી કર્યું નથી. બિપાશા સોશિયલ મીડિયા પર તેની પુત્રી દેવી અને પતિ કરણસિંહ ગ્રોવર સાથેના ફોટોગ્રાફ્સ-વીડિયો પોસ્ટ કરતી હોય છે.