(PTI Photo/Manvender Vashist Lav)
ભારતમાં 2024ની સંસદીય ચૂંટણીએ પ્રજા શક્તિ અને મતદારોના શાણપણનો અદભૂત પરચો બતાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપ તથા એનડીએને બહુમતી આપી ફરી સરકાર રચવાનો જનાદેશ આપ્યો છે, તો સાથે સાથે અનેક લોકોના મતે સરકાર અને શાસક પક્ષ સત્તાના મદમાં બેફામ બન્યાની છાપને વ્યાપક સ્વિકૃતિ મળી હોય તેમ મોદીના અબ કી બાર, 400 કે પાર ના સૂત્રના લીરે લીરા ઉડાડી દઈ એકલા ભાજપને તો સાદી બહુમતી પણ નથી આપી અને સાથે સાથે સમગ્રપણ એનડીએની કુલ બેઠકોની સંખ્યા પણ 300થી ઓછી રાખીને સત્તાના ઘમંડ સાથે ઘૂમતા નેતાઓને ધરતી ઉપર લાવી દીધા છે.
વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠકોની સંખ્યા એનડીએ કરતાં લગભગ 65 જેટલી ઓછી, 235ની આસપાસ હોવા છતાં તક મળે તો સરકાર રચવાની તૈયારીમાં તેઓ પણ લાગી ગયા છે. સૌથી ચોંકાવનારા પરિણામો ઓડિશા અને બિહારના છે, તો દિલ્હીમાં ભાજપે અપેક્ષા કરતાં ઘણો સારો દેખાવ કર્યો છે. ઓડિશામાં નવીન પટનાયકની બીજેડીનો લોકસભા અને રાજ્ય વિધાનસભા, બન્નેમાં પરાજય થયો છે, તેના લગભગ બધા જ નુકશાન સામે ભાજપને ફાયદો થયો છે, તો બિહારમાં નીતિશકુમારની આગેવાની હેઠળ એનડીએનો દેખાવ અસાધારણ રીતે જ્વલંત રહ્યો છે, ત્યાં વિપક્ષને લગભગ કોઈ લાભ થયો નથી. આંધ્ર પ્રદેશમાં પણ જગન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે અને જુના જોગી ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ્ પાર્ટી – ટીડીપી અને તેના સહયોગી ભાજપને ઓડિશા કરતાં ય વધુ સારી સફળતા મળી છે.

 

લોકસભાની ચૂંટણીના મંગળવાર, 4 જૂને આવેલા રિઝલ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપને અણધાર્યો ફટકો પડ્યો હતો અને દેશમાં ગઠબંધન સરકારના યુગની વાપસી થઈ હતી. લોકસભાની કુલ 543 બેઠકોમાંથી મોદીના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનને 291 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ ભાજપને એકલા હાથે સ્પષ્ટ બહુમતી મળી નથી. તેથી મોદી વિક્રમજનક ત્રીજી વખત વડાપ્રધાન બનીને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરી શકશે, પરંતુ સરકાર ચલાવવા માટે ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર જેવા નેતાઓના પ્રાદેશિક પક્ષો પર આધાર રાખવો પડશે. લોકસભામાં બહુમતીનો જાદૂઇ આંક 272 બેઠકોનો છે, જ્યારે ભાજપને એકલા હાથે 240 બેઠકો મળી છે. ભાજપને ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા સહિતના હિન્દી પટ્ટા ગણાતા રાજ્યોમાં ભારે નુકસાન થયું હતું.

ભાજપના મુખ્ય સાથી એન ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને નીતિશ કુમારની જેડી(યુ) આંધ્રપ્રદેશ અને બિહારમાં અનુક્રમે 16 અને 12 બેઠકો પર આગળ હતી અથવા જીતી ગયા હતા. અન્ય સાથી પક્ષોના સમર્થન સાથે ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાન્સ (એનડીએ) 272નો બહુમતીનો આંકડોને પાર કરી ગયું હતું. ટીડીપીએ આંધ્રપ્રદેશમાં વાયએસ જગન મોહન રેડ્ડીની વાયએસઆરસીપીને હટાવીને વિધાનસભાની ચૂંટણીમાં પણ જીત મેળવી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણીના પરિણામને “લોકોની અને લોકશાહીની જીત” ગણાવી હતી. વડા પ્રધાન મોદીએ એનડીએની અપેક્ષિત બહુમતીને ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવીને જણાવ્યું હતું કે લોકોએ સતત ત્રીજી મુદત માટે શાસક ગઠબંધનમાં તેમનો વિશ્વાસ મૂક્યો છે. એક્સ પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું “હું આ સ્નેહ માટે ‘જનતા જનાર્દન’ને નમન કરું છું અને તેમને ખાતરી આપું છું કે અમે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે છેલ્લા દાયકામાં કરેલા સારા કામને ચાલુ રાખીશું.”

ચૂંટણીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાર્ટીનું પુનરુત્થાન થયું છે. વિપક્ષી ગઠબંધનની મુખ્ય પાર્ટીએ 99 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

મોદીએ વારાણસી બેઠક જાળવી રાખી હતી, પરંતુ તેમનું વિજયી માર્જિન 1.53 લાખ મતનું રહ્યું હતું. 2019માં તેઓ આશરે 4.79 લાખના માર્જિનથી જીત્યા હતા. રાહુલ ગાંધી વાયનાડ (કેરળ) અને રાયબરેલી (યુપી)ની બેઠકો 3,64,422 મતો અને 3,90,030 મતોના વિશાળ માર્જિનથી જીતી હતી.

ભાજપે કેરળમાં પ્રથમ વખત ખાતુ ખોલીને એક બેઠક પર વિજય મેળવ્યો હતો. લોકપ્રિય મલયાલમ અભિનેતા સુરેશ ગોપીએ રાજ્યની ત્રિશૂર બેઠક જીતી હતી. મધ્યપ્રદેશમાં ભાજપનો તમામ 29 બેઠકો પર પર વિજય થયો હતો, જ્યારે ગુજરાતમાં પણ ભાજપે 26માંથી 25 બેઠકો પર જીતી હતી.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીની આગેવાની હેઠળનું વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન 220થી વધુ બેઠકો પર આગળ હતું, જે અપેક્ષા કરતા વધારે હતું. કોંગ્રેસ એકલી લગભગ 100 બેઠકો પર આગળ હતી, જે 2019માં જીતેલી 52 બેઠકો કરતાં લગભગ બમણી હતી

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને તેથી ભારતની અસ્થિર ગઠબંધન સરકારોનો યુગ સમાપ્ત થયો હતો અને 2019માં વિજયનું પુનરાવર્તન પોતાની બહુમતી મેળવી મેળવી હતી. મોદી ગઠબંધનના સાથી પક્ષો પર આધાર રાખવો પડશે તેવી શક્યતા ઊભી થવાની સાથે જ ભારતના શેરબજારોમાં એક જ દિવસમાં છ ટકાનો અસાધારણા કડાકો બોલાયો હતો. ડોલર સામે રૂપિયો પણ ગગડ્યો હતો અને બોન્ડની યીલ્ડમાં ઉછાળો આવ્યો હતો.

લોકસભાની કુલ 80 બેઠકો સાથે ભારતના રાજકીય રીતે સૌથી વધુ મહત્ત્વના રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપને જોરદાર ફટકો પડ્યો હતો. રાજયમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 36 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધને 44 બેઠકો મળી હતી. રાજ્યમાં આ વખતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું અને BSPએ એકલા હાથે ચૂંટણી લડી હતી. અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટી 62 સીટો પર ચૂંટણી લડી હતી, કોંગ્રેસ 17 સીટો પર લડી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAને રાજ્યની 80 બેઠકોમાંથી 62 બેઠકો મળી હતી.

ભાજપને બીજો સૌથી મોટો ફટકો પશ્ચિમ બંગાળમાંથી પડ્યો હતો. પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ 42 બેઠકો પર ભાજપ અને રાજ્યની સત્તારૂઢ મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (ટીએસી) વચ્ચે સીધી ટક્કર હતી. તમામ એક્ઝિટ-પોલની આગાહીઓને ખોટી પાડીને મમતા બેનરજીના વડપણ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પશ્ચિમ બંગાળની 42 લોકસભા બેઠકોમાંથી 30 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને ભાજપને માત્ર 12 બેઠકો મળી હતી. રાજ્યમાં ભાજપને ઓછામાં ઓછા 30 બેઠકો મળવાની ધારણા છે. બંગાળમાં ભાજપની આગેકૂચ અટકાવ્યાના ત્રણ વર્ષ પછી ટીએમસીએ ફરીથી પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપના પ્રચંડ અભિયાનને નિષ્ફળ બનાવીને તેમની ક્ષમતા સાબિત કરી હતી.

મહારાષ્ટ્રમાં પણ ભાજપને આંચકો લાગ્યો હતો. રાજ્યની કુલ 48 બેઠકોમાંથી એનડીએને 18 અને ઇન્ડિયા ગઠબંધને 29 બેઠકો મળી હતી. રાજ્યમાં ભાજપે એકનાથ શિંદની શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. બીજી તરફ કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા શરદ પવારની એનસીપી સાથે ગઠબંધન કર્યું હતું. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્રમાં 23 બેઠકો જીતી હતી અને તેની તત્કાલીન સાથી શિવસેના (અવિભાજિત)ને 18 બેઠકો મળી હતી. તત્કાલીન અવિભાજિત NCPને ચાર બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક જીતી શકી હતી.

બિહારની કુલ 40 બેઠકોમાંથી એનડીએ ગઠબંધનને 30 બેઠકો મળી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં રાજ્યની કુલ 40 બેઠકોમાંથી એનડીએ ગઠબંધને 39 બેઠકો જીતી હતી, જ્યારે વિપક્ષને માત્ર એક બેઠક મળી હતી.

 

 

 

LEAVE A REPLY