(PTI Photo/Kunal Patil)

લોકસભાની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળવાની પૂરી સંભાવના વચ્ચે ભારતના શેરબજારોમાં મંગળવાર, 4 જૂને આશરે 6 ટકાનો ચાર વર્ષનો સૌથી મોટો દૈનિક કડાકો બોલાયો હતો.

BSEનો સેન્સેક્સ 4,389.73 પોઈન્ટ અથવા 5.74 ટકાના અસાધારણ કડાકા સાથે 72,079.05 ના બે મહિના કરતાં વધુ નીચા સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે સેન્સેક્સમાં 6,234.35 પોઈન્ટ અથવા 8.15 ટકાનું જંગી ગાબડુ પડ્યું હતું. NSE નિફ્ટી ઇન્ટ્રા-ડે 1,982.45 પોઈન્ટ અથવા 8.52ના તોતિંગ ગાબડા સાથે 21,281.45 પોઇન્ટની નીચી સપાટીએ સ્પર્શ્યો હતો. જોકે ટ્રેડિંગના અંતે તે 1,379.40 પોઈન્ટ અથવા 5.93 ટકાના તીવ્ર ઘટાડા સાથે 21,884.50 પર બંધ થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં અગાઉ 23 માર્ચ, 2020ના રોજ લગભગ 13 ટકાનો ઘટાડો થયો હતો. તે સમયે કોરોના મહામારીને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. PSUs, સરકારી બેંકો, પાવર, યુટિલિટીઝ, ઉર્જા, તેલ અને ગેસ અને કેપિટલ ગુડ્ઝ શેર્સમાં ભારે પ્રોફિટ બુકિંગ થયું હતું. લોકસભાની ચૂંટણીના અણધાર્યા પરિણામથી શેરબજારોમાં ભયનું મોજું ફેલાયું હતું.

લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલના તારણોના આધારે શેરબજારમાં સોમવાર, 3 જૂને અભૂતપૂર્વ તેજી આવી હતી તથા શેરબજારના સૂચકાંકો ઓલટાઇમ હાઇ સપાટીએ સ્પર્શ્યા હતાં. BSEનો સેન્સેક્સ 2,507.47 પોઈન્ટ અથવા 3.39 ટકાના જંગી ઉછાળા સાથે 76,468.78ની નવી ઊંચી ટોચે બંધ આવ્યો હતો. જે ત્રણ વર્ષમાં તેનો સૌથી મોટો સિંગલ-ડે વધારો દર્શાવે છે. NSEનો નિફ્ટી 733.20 પોઈન્ટ અથવા 3.25 ટકા વધીને 23,263.90 પર બંધ થયો હતો.

 

LEAVE A REPLY