ફાઇલ ફોટો . (ANI Photo)

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા અને વિજાપુર વિધાનસભા બેઠકોની લોકસભાની ચૂંટણી સાથે પેટાચૂંટણી યોજાઈ હતી.

ભાજપના ઉમેદવારો અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાનો અનુક્રમે પોરબંદર અને વિજાપુર વિધાનસભા બેઠકો પર તેમના કોંગ્રેસના પ્રતિસ્પર્ધીઓ સામે વિજય થયો હતો. માણાવદરમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી, ખંભાતમાં ચિરાગ પટેલ અને વાઘોડિયામાં ધર્મેન્દ્ર સિંહ વાઘેલાનો વિજય થયો હતો. અર્જૂન મોઢવાડિયા, સી જે ચાવડા, અરવિંદ લાડાણી અને ચિરાગ પટેલ કોંગ્રેસની ટિકિટ પર 2022 રાજ્યની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા, જ્યારે ધર્મેન્દ્ર સિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા.આ તમામ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેનાથી પેટાચૂંટણી જરૂરી બની હતી.

182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કૉંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. ગત છ મહિનામાં કોંગ્રેસ, આપ અને અપક્ષના મળીને 5 ધારાસભ્યોએ પક્ષપલટો કરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેને ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટ આપી હતી. ત્યારે આ પાંચેય વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાયો છે.

LEAVE A REPLY