ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડમાં કુલ 25માંથી 23 બેઠકો પર ભાજપ આગળ હતો. બીજી તરફ બનાસકાંઠા અને પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હતી. બનાસકાંઠા અને પાટણ બેઠકો પર કોંગ્રેસે પાતળી સરસાઈ સાથે લીડ મેળવી હતી.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 155 મત પાતળા માર્જીનથી આગળ હતા. 12.30 વાગ્યા સુધી, ગેનીબેન ઠાકોરને 3,19,938 લાખ મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને 3,19,783 મત મળ્યા હતા. વાવ બેઠક પરથી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લોકસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા.બીજી તરફ, એક રેખા ચૌધરી પોતાની પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે.
પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમના ભાજપના હરીફ પર 5,046 મતોના માર્જીનથી આગળ હતા. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને મળેલા 3,07,400 મતોની સામે તેમણે 3,12,446 મત મેળવ્યા હતા. ચંદનજી ઠાકોર સિદ્ધપુર બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.
અન્ય 23 બેઠકો પર ભાજપના ઉમેદવારો મત ગણતરીમાં મજબૂત લીડ મેળવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરછી ભાજપના ઉમેદવાર અમિત શાહ 4.82 લાખ મતોથી આગળ હતા. જ્યારે નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 4.67 લાખ મતોથી આગળ હતાં.
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી 3.60 લાખથી વધુ મતોથી આગળ હતી, જ્યારે પરષોત્તમ રૂપાલા રાજકોટમાંથી 3.52 લાખ મતોથી આગળ હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગૃહ રાજ્યમાં 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે રાજ્યની તમામ લોકસભા બેઠકો પર કબજો કરીને કોંગ્રેસના સુપડા સાફ કર્યા હતાં.
ચૂંટણી પહેલા જ મુકેશ દલાલ સુરત લોકસભા બેઠક પર બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. આમ 26માંથી એક બેઠક પર ભાજપે અગાઉથી વિજય મેળવી લીધો હતો.
ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મંગળવારે સવારે 8 વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીની કવાયત દરમિયાન 56 મતગણતરી નિરીક્ષકો, 30 ચૂંટણી અધિકારીઓ અને 180 મદદનીશ ચૂંટણી અધિકારીઓ તૈનાત કરાયા હતા.
ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. 250થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી જેમાં 60.13 ટકા મતદાન થયું હતું.
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ભાજપને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ પરિબળની ચૂંટણીના પરિણામમાં કોઇ અસર દેખાઈ ન હતી.
કોંગ્રેસે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડી હતી. આ ગઠબંધન હેઠળ કોંગ્રેસે 24 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે ભાવનગર અને ભરુચની બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યાં હતા. ભારતના ચૂંટણીપ્રચારની કમાન વડાપ્રધાન મોદી અને અમિત શાહે સંભાળી હતી. કોંગ્રેસ વતી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પ્રચાર કર્યો હતો.