પ્રતિકાત્મક તસવીર (istockphoto)

પાકિસ્તાન આર્મી મેડિકલ કોર્પ્સમાં ફરજ બજાવતા ડો. હેલેન મેરી રોબર્ટ્સે મુસ્લિમ બહુમતી ધરાવતા આ દેશમાં બ્રિગેડિયર બનીને ઇતિહાસ રચ્યો હતો. તેઓ ખ્રિસ્તી અને લઘુમતી સમુદાયમાંથી પાકિસ્તાની આર્મીના પ્રથમ મહિલા બ્રિગેડિયર બન્યાં છે.

પાકિસ્તાના સિલેક્શન બોર્ડે હેલેન સહિતના આર્મી ઓફિસરોને  બ્રિગેડિયર અને સંપૂર્ણ કર્નલ તરીકે બઢતી આપી હતી. વડાપ્રધાન શાહબાઝ શરીફે હેલનને બ્રિગેડિયર તરીકેની બઢતી બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રને તેમના અને લઘુમતી સમુદાયોની તેમના જેવી હજારો મહેનતુ મહિલાઓ પર ગર્વ છે, જેઓ વિશિષ્ટતા સાથે દેશની સેવા કરી રહી છે. હું પોતે અને સમગ્ર દેશ બ્રિગેડિયર હેલેન મેરી રોબર્ટ્સને પાકિસ્તાન આર્મીમાં બ્રિગેડિયર તરીકે બઢતી મેળવનાર લઘુમતીમાંથી પ્રથમ મહિલાનું સન્માન મેળવવા બદલ અભિનંદન પાઠવું છું.

બ્રિગેડિયર ડો. હેલન સિનિયર પેથોલોજિસ્ટ છે અને છેલ્લા 26 વર્ષથી પાકિસ્તાન આર્મીમાં ફરજ બજાવે છે. ગયા વર્ષે રાવલપિંડીના ક્રાઇસ્ટ ચર્ચમાં નાતાલની ઉજવણી દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે દેશના વિકાસમાં લઘુમતી સમુદાય દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

2021માં પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે બહાર પાડેલા આંકડા અનુસાર, દેશમાં 96.47 ટકા મુસ્લિમો છે. આ ઉપરાંત 2.14 ટકા હિંદુઓ, 1.27 ટકા ખ્રિસ્તીઓ, 0.09 ટકા અહમદી મુસ્લિમો અને 0.02 ટકા અન્ય ધર્મના લોકો છે.

LEAVE A REPLY