ભારતના અગ્રણી ઔદ્યોગિક જૂથ- રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તાતા ગ્રુપનો અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિનની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદીમાં ‘ટાઈટન્સ’ કેટેગરીમાં સમાવેશ થયો છે. રીલાયન્સનો આ યાદીમાં બીજી વખત સમાવેશ થયો છે. અગાઉ 2021માં સૌપ્રથમ યાદીમાં જિયો પ્લેટફોર્મ્સનો સમાવેશ થયો હતો. ટાઈમ મેગેઝિનની આ યાદીમાં ‘પાયોનિયર’ કેટેગરીમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનો સમાવેશ કરાયો છે. મેગેઝિન દ્વારા તાજેતરમાં આ ચોથી યાદી જાહેર કરવામાં આવી હતી. ‘ટાઈમ’ મેગેઝિને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ‘ભારતની શક્તિશાળી’ કંપની તરીકે ગણાવીને કહ્યું હતું કે ધીરુભાઈ અંબાણીએ 58 વર્ષ પહેલાં ટેક્સટાઈલ અને પોલિસ્ટરનો બિઝનેસ શરૂ કર્યો ત્યારથી તેનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન થયું છે અને આજે તેનું માર્કેટ કેપિટલાઈઝેશન 200 બિલિયન ડોલરથી વધી ગયું છે.
હવે તે દેશની સૌથી મૂલ્યવાન કંપની બની છે. ધીરુભાઇના પુત્ર મુકેશ અંબાણીની આગેવાનીમાં આ કંપનીએ એનર્જી, રીટેઇલ અને ટેલિકોમ સહિતના ક્ષેત્રોમાં બિઝનેસ વિસ્તાર્યો છે અને તેને પગલે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે.’
મેગેઝિને તાતા ગ્રુપ વિશે કહ્યું છે કે આ ગ્રુપના 100 વર્ષથી પણ વધુના ઈતિહાસ પછી 2017માં એન. ચંદ્રશેખરનને તાતા ગ્રુપ સાથે કોઈ જ સીધું જોડાણ ન હોવા છતાં ચેરમેન તરીકે સુકાન સોંપવામાં આવ્યું હતું. તેમણે ટેક્નોલોજી મેન્યુફેક્ચરિંગ, એઆઈ અને સેમિકન્ડક્ટર ચિપ ક્ષેત્રે રોકાણ કરીને ગ્રુપમાં મોટાપાયે પરિવર્તન લાવ્યું છે.

LEAVE A REPLY