ANI PHOTO

કોંગોમાં યુએન મિશનમાં મહિલા શાંતિરક્ષક તરીકે સેવા આપનારા મેજર રાધિકા સેનનું ગુરુવારે યુએનના પ્રતિષ્ઠિત મિલિટરી જેન્ડર એડવોકેટ એવોર્ડથી સન્માન કરાયું હતું. યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે મેજર રાધિકાને “સાચા લીડર અને રોલ મોડેલ” ગણાવ્યા હતાં.

મેજર સેનને આંતરરાષ્ટ્રીય યુએન શાંતિરક્ષક દિને યોજાયેલા એક સમારોહમાં ગુટેરેસેના હસ્તે ‘2023 યુનાઈટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ’થી સન્માન કરાયું હતું. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં યુએન ઓર્ગેનાઈઝેશન સ્ટેબિલાઈઝેશન મિશનમાં સેવા આપવા બદલ તેનું આ બહુમાન કરાયું હતું.

1993માં હિમાચલ પ્રદેશમાં જન્મેલા મેજર સેન આઠ વર્ષ પહેલા ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતાં. બાયોટેક એન્જિનિયર તરીકે સ્નાતક થઈ IIT બોમ્બેમાં માસ્ટર ડિગ્રી કરતી વખતે તેમણે આર્મીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. મેજર રાધિકા સેન માર્ચ 2023માં યુએન ઓર્ગેનાઈઝેશન સ્ટેબિલાઈઝેશન મિશન ઇન ધ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (MONUSCO)માં પ્લાટૂન કમાન્ડર તરીકે જોડાયા હતાં અને એપ્રિલ 2024માં કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

મેજર સેનને તેમની સેવા બદલ અભિનંદન આપતા ગુટેરેસે કહ્યું હતું કે તેઓ સાચા નેતા અને રોલ મોડેલ છે. તેમની સેવાઓ સમગ્ર યુનાઈટેડ નેશન્સ માટે સાચો શ્રેય છે. તેમણે એક નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર કિવુમાં વધતા જતા સંઘર્ષના વાતાવરણમાં, તેમના સૈનિકો મહિલાઓ અને છોકરીઓ સહિત સંઘર્ષથી પ્રભાવિત સમુદાયો સાથે સક્રિયપણે જોડાયેલા રહ્યાં હતાં. તેમણે નમ્રતા, કરુણા અને સમર્પણ સાથે આ લોકોનો વિશ્વાસ જીત્યો હતો.

મેજર રાધિકા સૈને જણાવ્યું હતું કે “આ પુરસ્કાર મારા માટે ખાસ છે, કારણ કે તે ડીઆરસીના પડકારજનક વાતાવરણમાં કામ કરતા તમામ પીસકીપર્સની સખત મહેનત અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસોનું સન્માન કરે છે.”

એક પ્લાટૂન કમાન્ડર તરીકે મેજર સેને તેમના કમાન્ડ હેઠળ પુરુષો અને સ્ત્રીઓ બંનેને એકસાથે કામ કરવા માટે એક સુરક્ષિત સ્થાનને પ્રોત્સાહન આપ્યું હતું તથા ઝડપથી મહિલા પીસકીપર્સ અને પુરૂષ પીસકીપર્સ બંને માટે રોલ મોડેલ બન્યાં હતાં.

LEAVE A REPLY