એક મોટી વ્યૂહાત્મક હિલચાલમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) યુકેની તિજોરીઓમાંથી 100 ટન સોનું સ્વદેશ લાવી હતી. 1991 પછી ભારતની રિઝર્વ બેન્કે કરેલી આવી પ્રથમ હિલચાલ છે. આ નિર્ણય લોજિસ્ટિકલ કારણોસર અને સ્ટોરેજ સ્થાનોમાં વિવિધતા લાવવામાં કરાયો હતો.
માર્ચના અંત સુધીમાં આરબીઆઈ પાસે 822.1 ટન સોનું હતું, જેમાં 413.8 ટન સોનું વિદેશમાં સંગ્રહિત હતું. સેન્ટ્રલ બેન્કે ગયા નાણાકીય વર્ષ દરમિયાન 27.5 ટન સોનું ખરીદ્યું હતું.
પરંપરાગત રીતે ભારત સહિતના ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો બેંક ઓફ ઈંગ્લેન્ડમાં સોનાનો સંગ્રહ કરતી હોય છે. ભારતનું કેટલુંક ગોલ્ડ રિઝર્વ સ્વતંત્રતા પહેલાના સમયનું છે. અધિકારીએ જણાવ્યું હતું કે આરબીઆઈએ થોડા વર્ષો પહેલા સોનું ખરીદવાનું શરૂ કર્યું હતું અને સમયાંતરે સ્ટોરેજ સ્થાનોની સમીક્ષા કરવાનું નક્કી કર્યું હતું. વિદેશી સ્ટોકમાં વધારાની સાથે કેટલુંક સોનું ભારતમાં લાવવાનો નિર્ણય કરાયો હતો.
ભારતીય રિઝર્વ બેન્કે યુકેમાં સેંકડો ટન સોનું સંગ્રહ કરી રાખ્યું છે જેમાંથી 100 ટન સોનું તાજેતરમાં ભારત લાવવામાં આવ્યું છે. હવે આ સોનું ભારતમાં વોલ્ટમાં સુરક્ષિત રહેશે. આગામી મહિનાઓમાં પણ 100 ટનથી વધારે સોનું આ રીતે યુકેથી ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે.
ભારતે યુકેથી 100 ટન સોનું સ્વદેશ શિફ્ટ કર્યું તેમાં લોજિસ્ટિક્સની બહુ મોટી ચેલેન્જ ઉઠાવવી પડી હતી કારણ કે તેમાં મહિનાઓ સુધી ચુસ્ત પ્લાનિં કરવામાં આવ્યું હતું અને બહાર કોઈને ખબર ન પડે તેની કાળજી રાખવામાં આવી હતી. આખી પ્રક્રિયામાં જબ્બરજસ્ત કોઓર્ડિનેશન કરવામાં આવ્યું હતું અને તેમાં નાણા મંત્રાલય, આરબીઆઈ અને સરકારના કેટલાક વિભાગોએ સહયોગ કરીને આખી કામગીરી પાર પાડી હતી.