ટાટા સ્ટીલ તેની ઓફશોર એન્ટિટીઝનું દેવું ચૂકવવા અને તેના ખોટ કરતા યુકે બિઝનેસના પુનર્ગઠનના ખર્ચને ટેકો આપવા માટે તેના સિંગાપોર એકમમાં $2.1 બિલિયન (રૂ.17,408 કરોડ) રોકાણ કરશે. વધુમાં તે સિંગાપોર એકમના $565 મિલિયન (રૂ. 4,661 કરોડ)ના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટને ઇક્વિટી શેર્સમાં રૂપાંતરિત કરશે. ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં ફંડ ઇન્ફ્યુઝન તેમજ ડેટનું ઇક્વિટીમાં રૂપાંતર કરવામાં આવશે.
ટાટા સ્ટીલમાં સિંગાપોરમાં 100 ટકા માલિકીની ટી સ્ટીલ હોલ્ડિંગ્સ નામની કંપની ધરાવે છે. આ કંપની યુકે પ્લાન્ટ સહિત વિદેશી સ્ટીલ બિઝનેસની માલિકી ધરાવે છે. ટી સ્ટીલ હોલ્ડિંગ્સે FY23માં રૂ.4,367 કરોડની ખોટ નોંધાવી હતી. ટાટા સ્ટીલ પણ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs)ના રૂપમાં રૂ. 3,000 કરોડ એકત્ર કરશે.
ટાટા સ્ટીલ યુકેમાં તેના પોર્ટ ટેલ્બોટ પ્લાન્ટમાં નવી ઈલેક્ટ્રિક આર્ક ફર્નેસ (EAF) બનાવવા માટે £1.25 બિલિયન ($1.6 બિલિયન)નું રોકાણ કરી રહી છે. સપ્ટેમ્બરમાં કંપનીએ બે બ્લાસ્ટ ફર્નેસને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો તેનાથી આ પ્લાન્ટમાં 2,800 નોકરીમાં કાપ મૂકાશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ વર્ષે હેવી એન્ડ એસેટ બંધ કરવાના પ્રસ્તાવ સાથે આગળ વધીશું અને 2027 સુધીમાં EAFની સ્થાપના કરીશું. અમારા લોકો માટે પરિવર્તનનો આ મુશ્કેલ સમયગાળો છે… EAFના સંદર્ભમાં, અમે સપ્ટેમ્બર 2024 સુધીમાં સાધનોના ઓર્ડર આપીશું અને હાઇ વોલ્ટેજ કનેક્શન મેળવવા માટે યુકે નેશનલ ગ્રીડ સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમે યુનિયનો સાથે ચર્ચાવિચારણા કરીને ટાટા સ્ટીલ યુકેમાં અસરગ્રસ્ત કર્મચારીઓ માટે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પેકેજ ઓફર કર્યું છે. અમે £1.25 બિલિયનના રોકાણને ટેકો આપવા યુકે સરકાર સાથે સૂચિત ગ્રાન્ટ પેકેજની અંતિમ શરતો માટે સંમત થયા છીએ.