બૂહૂ, પ્રાઈમાર્ક અને ન્યૂ લુક સહિતની કંપનીઓ માટે કપડાં બનાવતી લેસ્ટરની ટેક્સટાઇલ કંપનીના ડિરેક્ટરો હિફઝુરરહેમાન પટેલને જ્યુરી દ્વારા દોષિત ઠેરવી પાંચ વર્ષની જેલ અને એહસાન-ઉલ-હક પટેલને 47 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે રોબર્ટ્સ રોડ, બેલગ્રેવ, લેસ્ટરના 54 વર્ષીય પ્રવિણભાઈ વાળંદને વેટ કાવતરાની કબૂલાત બાદ 24 મહિનાની જેલની સજા, બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેમણે 300 કલાક અવેતન કામ કરવું પડશે અને ત્રણ મહિનાનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
લેસ્ટર ક્રાઉન કોર્ટમાં જણાવાયું હતું કે હિફઝુરરહેમાન અને એહસાન-ઉલ-હક પટેલે £1.3 મિલિયન ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે બનાવટી પેટા કોન્ટ્રાક્ટરો ઊભા કરતાં તેમને જેલ કરવામાં આવી છે.
તેમણે ઢોંગ કર્યો હતે કે તેઓ અન્ય જગ્યાએથી કપડા ખરીદી રહ્યા છે અને અસ્તિત્વમાં ન હોય તેવી કંપનીઓ પાસેથી નકલી ઇન્વૉઇસ બનાવી રહ્યા હતા.
એવિંગ્ટન પાર્કસ રોડ, એવિંગ્ટન, લેસ્ટરના 40 વર્ષીય હિફઝુરરહેમાન પટેલ અને લેસ્ટરના અપિંગહામ રોડના 46 વર્ષીય એહસાન-ઉલ-હક દાઉદ પટેલે વેટમાંથી બચવા માટે ફ્રન્ટ કંપનીઓનું અત્યાધુનિક નેટવર્ક ઊભું કર્યું હતું અને તેમની છેતરપિંડી 2017 સુધી ચાલુ રહી હતી.