‘માત્ર શ્રેષ્ઠ અને તેજસ્વી’ લોકોને જ યુકેમાં પ્રવેશ આપવાના અભિગમ સાથેની વિઝા ક્રેકડાઉન યોજના હેઠળ બ્રિટનમાં રહેવા માટે વિવાદાસ્પદ ગ્રેજ્યુએટ રૂટનો ઉપયોગ કરીને યુકેમાં આવતા દરેક ઇમીગ્રન્ટ વિદેશી નાગરિકો – સ્નાતકોએ દર વર્ષે ઇંગ્લિશ ભાષાના ટેસ્ટનો સામનો કરવો પડશે.
વિદેશી વિદ્યાર્થીઓને અહીં બે વર્ષ સુધી કામ કરવાની મંજૂરી આપતી સ્કીમની જરૂરિયાતોમાં આ ફેરફારને કેબિનેટ મંજૂરી આપવા તૈયાર છે. આ પોલિસી અંતર્ગત ઉચ્ચ ડ્રોપઆઉટ દર ધરાવતી યુનિવર્સિટીઓ અને કોલેજો વિદેશમાંથી સંભવિત વિદ્યાર્થીઓની ભરતી કરવાની ક્ષમતાને ગુમાવશે. વિદેશી વિદ્યાર્થીઓને તેમની ડિગ્રીઓથી દૂર રાખતા, ઓછા પગારવાળી નોકરીઓ માટે લલચાવતા લઘુત્તમ વેતન કરતાં ઓછો પગાર આપતા લોકો સામે પણ હોમ ઑફિસ પગલા લેશે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રેજ્યુએટ રૂટ યોજનાનું નવું સંસ્કરણ ફક્ત ‘શ્રેષ્ઠ અને તેજસ્વી’ લોકોને યુકેમાં આવવાની મંજૂરી આપશે. સુનક બ્રિટિશ યુનિવર્સિટીઓને વિદેશી વિદ્યાર્થીઓને ‘નીચી ગુણવત્તાવાળા’ પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમો લેવાની મંજૂરી આપવા પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં રજૂ કરાયેલા સુધારા અંતર્ગત માસ્ટર્સના વિદ્યાર્થીઓને તેમના પરિવારના સભ્યોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.