અમેરિકામાં ન્યૂ યોર્કની નસાઉ કાઉન્ટીમાં આગામી 9 જૂને ટી-20 વર્લ્ડ કપની ભારત – પાકિસ્તાન વચ્ચેની મેચમાં ત્રાસવાદી હુમલાની ધમકી અપાયાના અહેવાલો પછી તે દિવસે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરાશે. ન્યૂ યોર્કના ગર્વનર કેથી હોચુલે ભારપૂર્વક કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના દિવસે ન્યૂ યોર્ક શહેરમાં ત્રાસવાદી હુમલાની ધમકી હાલ તો વિશ્વસનીય નથી.
નસાઉ કાઉન્ટીના આઇઝનઆવર પાર્ક સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની આઠ મેચ રમાવાની છે, જેમાં ભારતની ત્રણ મેચનો સમાવેશ થાય છે.
ન્યૂ યોર્કના ગર્વનર કેથી હોચુલે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘વર્લ્ડ કપ માટેની તૈયારીમાં મારી ટીમ ફેડરલ તેમજ સ્થાનિક લો એનફોર્સમેન્ટ એજન્સીઓ સાથે મળીને મેચમાં હાજર રહેનારા લોકોની સુરક્ષા માટે કામ કરી રહી છે. હાલના તબક્કે કોઇ વિશ્વસનીય ખતરો જણાતો નથી પરંતુ તેમ છતાં મેં ન્યૂ યોર્ક પોલીસને સુરક્ષા વ્યવસ્થા વધારવા કહ્યું છે.
મીડિયા અહેવાલો પ્રમાણે ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસ-કે દ્વારા આ વર્ષના પ્રારંભે વર્લ્ડ કપ પર હુમલા અંગેની ધમકી અપાયા પછી ન્યૂ યોર્કના અધિકારીઓએ વધુ સુરક્ષા તકેદારીઓ અમલમાં મુકી છે. નસાઉ કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાઇડરે જણાવ્યું હતું કે વર્લ્ડ કપના આયોજકોને એપ્રિલમાં અને ખાસ કરીને ભારત – પાકિસ્તાન મેચમાં હુમલાની સ્પષ્ટ ધમકી મળી હતી.