કેનેડિયન વિઝા મેળવવા માટે કોલેજના એડમિશનના નકલી લેટર્સ જારી કરીને ભારતના વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ કરવાના કેસમાં કેનેડામાં ભારતના એક ઇમિગ્રેશન એજન્ટને બુધવારે ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ભારતીય ઈમિગ્રેશન એજન્ટે વેનકુવરની કોર્ટ સમક્ષ દોષિત હોવાની કબૂલાત કરી હતી.
કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA)ની તપાસ પછી 37 વર્ષના બ્રિજેશ મિશ્રાની ધરપકડ કરાઈ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે તેને 2016 અને 2020ની વચ્ચે ભારતના સંભવિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડિયન કોલેજો અને યુનિવર્સિટીઓના આશરે ડઝનેક બનાવટી સ્વીકૃતિ પત્રો જારી કર્યા હતાં.
બ્રિજેશ મિશ્રાને બુધવારે વાનકુવરની કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપીએ કોર્ટરૂમમાં ઊભા રહીને કેનેડિયન ઈમિગ્રેશનના અનેક ગુનાઓ માટે માફી માંગી હતી. મિશ્રાને કેનેડાના ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ હેઠળ ત્રણ આરોપો માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
કોર્ટમાં મિશ્રાએ જણાવ્યું હતું કે “મને માફ કરજો. હું ભૂતકાળ બદલી શકતો નથી, પરંતુ હું ખાતરી કરી શકું છું કે હું ભવિષ્યમાં ફરીથી આવું ન કરું.”
મિશ્રાની જૂન 2023માં બ્રિટિશ કોલંબિયાના સરેમાં ધરપકડ કરાઈ હતી. તે વિઝિટર વિઝા પર કેનેડામાં પ્રવેશ્યો હતો. 2023થી મિશ્રા પોલીસ કસ્ટડીમાં હોવાથી તેની સજામાં આ સમયગાળાની પણ ગણતરી લેવાશે. તેથી મિશ્રાએ હવે વધારાના 19 મહિના જેલમાં કાઢવા પડશે. કેનેડામાં સજા ભોગવ્યા પછી મિશ્રાને ભારતમાં દેશનિકાલ કરવામાં આવે તેવી ધારણા છે. ભારતમાં પણ તેને માનવ તસ્કરી સહિતના વધુ ફોજદારી આરોપોનો સામનો કરવો પડશે. આ ગુનામાં મહત્તમ પેનલ્ટી મૃત્યદંડ સુધીની છે.
પંજાબના જલંધરમાં એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ નામની કન્સલ્ટન્સી ફર્મ ચલાવતા મિશ્રાની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે કેનેડાની જાણીતી હમ્બર યુનિવર્સિટીના ફેક એડમિશન લેટર બનાવતો હતો અને તેના આધારે સ્ટૂડન્ટ વતી વિઝા માટે એપ્લાય કરતો હતો. જો કોઈ સ્ટૂડન્ટને કેનેડાની સારી કોલેજમાં એડમિશન મળ્યું હોય તો વિઝા રિજેક્ટ થવાનો ચાન્સ ખૂબ જ ઓછો રહેતો હોય છે. જોકે, ફેક એડમિશન લેટરના આધારે વિઝા મળ્યા બાદ સ્ટૂડન્ટ કેનેડા પહોંચતો ત્યારે મિશ્રા તેને એવી પટ્ટી પઢાવતો હતો કે હમ્બર યુનિવર્સિટીમાં બધી સીટ ફુલ થઈ ગઈ હોવાથી તેને નેક્સ્ટ સેમેસ્ટ સુધી રાહ જોવી પડશે.