REUTERS/Florence Lo/Illustration/File Photo

વિશ્વના સૌથી મોટા રિફાઇનિંગ કોમ્પ્લેક્સની ઓપરેટર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દર મહિને ઓછામાં ઓછા 3 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ રૂબલમાં ખરીદવા માટે રશિયાની રોઝનેફ્ટ સાથે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, એમ મીડિયા રીપોર્ટમાં જણાવાયું હતું.

રિલાયન્સ અને રોસનેફ્ટ વચ્ચેનું ડીલ 1 એપ્રિલથી અમલી બન્યું છે જે અંતર્ગત રિલાયન્સ દર મહિને 10 લાખ બેરલ ઉરલ્સ ક્રૂડના બે કાર્ગો ખરીદશે અને વધુ ચાર ખરીદવાનો વિકલ્પ પણ તેને રહેશે. મિડલ ઈસ્ટ દુબઈ બેન્ચમાર્ક કરતાં બેરલદીઠ 3 ડોલરના ડિસ્કાઉન્ટથી તેને આ ઓઈલ મળશે. રિલાયન્સ ભારતની એચડીએફસી બેન્ક મારફતે રશિયાની ગેઝપ્રોમબેન્કમાં રૂબલ કરન્સીમાં પેમેન્ટ કરવા માટે સંમત થઈ હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિને પશ્ચિમી દેશોની કરન્સીનો વિકલ્પ ઊભો કરવા માટે તેના ટ્રેડિંગ પાર્ટનર્સને રૂબલમાં પેમેન્ટ તરફ વળવા માટે અપીલ કરી છે. રોસનેફ્ટ સાથેના આ ડીલથી રિલાયન્સને પ્રમાણમાં સસ્તા ભાવથી ઓઈલ મળશે. ઓપેક પ્લસ દેશો ભાવ ઊંચા રાખવા માટે ઓઈલ સપ્લાય પર જૂન પછી પણ કાપ ચાલુ રાખવાા મૂડમાં છે ત્યારે રિલાયન્સને આ ડીલથી ફાયદો થશે.

ભારત વિશ્વમાં ઓઈલની આયાત કરતો ત્રીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. તાજેતરના વર્ષોમાં ભારતે રશિયા પાસેથી સૌથી વધુ ઓઈલ સસ્તા ભાવે ખરીદ્યું છે. યુક્રેન સાથે યુદ્ધ પછી પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂકતા રશિયાને પણ ભારત જેવા દેશને સસ્તું ઓઈલ આપવાની જરૂર પડી હતી. રશિયાથી આયાત થતા ઓઈલ માટે ભારતે અગાઉ રૂપિયામાં, દિરહામમાં અને ચાઈનીઝ યુઆનમાં પણ પેમેન્ટ કર્યું છે.

 

LEAVE A REPLY