બ્રિટનના ભારતીય મૂળના પીઢ લેબર સંસદ સભ્ય અને વર્ષોથી ભારત-યુકે સંબંધોના ગાઢ હિમાયતી એવા વીરેન્દ્ર શર્માએ ફ્રન્ટલાઈન પોલિટિકસમાંથી હટી જવાનો અને યુકેની 4 જુલાઈના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી ફરીથી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો છે.

77 વર્ષીય શર્માએ ભારે પંજાબી પ્રભુત્વ ધરાવતી સાઉથ વેસ્ટ લં ડનના ઈલિંગ સાઉથોલ મતવિસ્તારમાંથી ભારતીય મૂળના પીઢ લેબર સાંસદ પિયારા સિંહ ખાબરાના મૃત્યુ બાદ 2007માં પહેલી પેટાચૂંટણી જીત્યા પછી રેકોર્ડરૂપ ચાર સામાન્ય ચૂંટણીઓ જીતી છે અને હવે દાદા તરીકે તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા નિવૃત્ત થઇ રહ્યા છે.

ભારતીય પંજાબના મંધલી ગામમાં જન્મેલા વિરેન્દ્ર શર્મા 1968માં યુકે આવ્યા હતા અને અને ટ્રેડ યુનિયન શિષ્યવૃત્તિ પર લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) માં અભ્યાસ શરૂ કર્યો હતો. અગ્રણી ટ્રેડ યુનિયનિસ્ટ બનતા પહેતા તેમણે બસ કંડક્ટર તરીકે નોકરીની શરૂઆત કરી હતી.

શ્રી શર્માએ સોમવારે સાંજે તેમની પાર્ટીને સંબોધિત પત્રમાં જણાવ્યું હતું કે, “એક બ્રિટીશ ભારતીય, હિંદુ, એક લેબર મેમ્બર, કાઉન્સિલર અને સાંસદ તરીકે મેં ક્યારેય તે અલગ અલગ, પરંતુ પૂરક, ઓળખના સમાધાન માટે સંઘર્ષ કર્યો નથી. લગભગ 50 વર્ષ કરતાં વધુ સમયથી, મેં એક યા બીજા સ્વરૂપે પાર્ટીની સેવા કરી છે. હવે હું માનું છું કે બીજો અધ્યાય શરૂ કરવાનો સમય આવી ગયો છે. હું તમને જણાવવા માંગુ છું કે હું આગામી ચૂંટણીમાં ઊભો રહીશ નહીં… હું લેબરને સમર્થન આપવાનું ચાલુ રાખીશ.’’

શ્રી શર્મા ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) ના અધ્યક્ષ છે અને બ્રિટિશ હિંદુઓની APPG ના સહ-અધ્યક્ષ છે. શ્રી શર્માએ વર્ષો દરમિયાન તેમની પત્ની નિર્મલાના “સતત સમર્થન”ને બિરદાવ્યું હતું.

યુકેના નવા વડા પ્રધાન તરીકે પાર્ટીના નેતા કેર સ્ટાર્મર સાથે “ડાઉનિંગ સ્ટ્રીટમાં લેબરની એન્ટ્રી” પહેલા “શેરીઓ પર ધમાલ” ચાલુ રાખવાનું વચન આપતા શર્માએ કહ્યું હતું કે “તે મારા માટે સ્પષ્ટ છે કે દેશ પરિવર્તન માટે પોકાર કરી રહ્યો છે, અને કેર, [ડેપ્યુટી લીડર] એન્જેલા રેનર અને સમગ્ર લેબર પાર્ટી આ દેશને જે પરિવર્તનની જરૂર છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. 2020માં નેતા માટે કેરને નોમિનેટ કરવામાં મને ગર્વ હતો. અમે લેબર પાર્ટીમાંથી યહૂદી વિરોધીવાદને વશ કર્યો છે અને હવે અમે સરકાર રચવા તરફ પહોંચી ગયા છીએ.”

LEAVE A REPLY