કારગિલ દુ:સાહસનો દેખિતો ઉલ્લેખ કરતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મંગળવારે સ્વીકાર્યું હતું કે ઇસ્લામાબાદે 1999માં તેમના અને ભારતના ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી વચ્ચે થયેલા કરારનો ભંગ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે જનરલ પરવેઝ મુશર્રફના દુ:સાહસને પગલે બંને દેશો વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું.
તેમની પાર્ટી પીએમએલ-એનની જનરલ કાઉન્સિલની બેઠકમાં શરીફે જણાવ્યું હતું કે 28 મે, 1998ના રોજ પાકિસ્તાને પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા હતાં. તે પછી વાજપેયી સાહેબ અહીં આવ્યા હતાં અને આપણી સાથે કરાર કર્યો હતો. પરંતુ આપણે તે કરારનું ઉલ્લંઘન કર્યું હતું… તે આપણી ભૂલ હતી.
શરીફ અને વાજપેયીએ ઐતિહાસિક સમિટ બાદ 21 ફેબ્રુઆરી, 1999ના રોજ લાહોર ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતાં. બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતાના વિઝનની વાત કરતી આ સમજૂતીને એક મોટી સફળતા માનવામાં આવતી હતી. પરંતુ આ સમજૂતીના થોડા મહિનાઓ પછી જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં પાકિસ્તાની આર્મીની ઘૂસણખોરીને કારણે કારગિલ યુદ્ધ થયું હતું.