ભારતીય વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવી પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા સ્કીમ પર પ્રતિબંધ લાદવાની યુકે સરકારની યોજનાને હાલ પૂરતી “સમીક્ષા હેઠળ” રાખવાની સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી. આ યોજના “ઇમિગ્રેશનના પ્રવેશદ્વાર” તરીકે ઉપયોગમાં લેવાતી હોવાથી સરકાર સ્ટુડન્ટ  વિઝા પર કડક કાર્યવાહી કરવા વિચારી રહી છે. વડા પ્રધાન ઋષિ સુનકની આગામી ચૂંટણી માટેની ટોચની પ્રાથમિકતા કાનૂની અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર અંકુશ મેળવવાની છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના આંકડાને ટાંકતા સુનકે કહ્યું હતું કે “હું વડા પ્રધાન બન્યો ત્યારથી નેટ ઇમિગ્રેશનમાં 10 ટકાનો ઘટાડો થયો છે અને અમારી યોજના કામ કરી રહી છે તેથી તેને વળગી રહીએ.’’

હોમ ઑફિસે કહ્યું હતું કે વર્ષની શરૂઆતમાં લાગુ કરાયેલા પરિવારના આશ્રિતો પરના કડક વિઝા નિયમોને હાલના ONS આંકડાઓ ધ્યાનમાં લેતા નથી. ત્યારથી વિઝા અરજીઓમાં 25 ટકાનો ઘટાડો થયો છે. સરકાર વધુ કડક પગલાં લેવા માંગે છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતીનું નિયમન કરવા અને ઠગ જેવા ભરતી એજન્ટો પર કડક કાર્યવાહી કરવા માંગે છે. જે યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્વીકાર્યા પછી વિઝા ચેક પાસ કરવામાં, નોંધણી કરવામાં અથવા તેમના અભ્યાસક્રમો પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય ત્યારે તેમનું સ્પોન્સર લાઇસન્સ ગુમાવશે. નવી દરખાસ્તો સ્ટુડન્ટ વિઝા પર વધુ ક્રેક ડાઉન કરશે અને તે સુનિશ્ચિત કરશે કે માત્ર અસલી વિદ્યાર્થીઓ જ યુકેમાં આવી શકે; ગ્રેજ્યુએટ રૂટની સમીક્ષા કરવામાં આવશે.”

MACએ ચેતવણી આપી હતી કે બદમાશ ભરતી એજન્ટો સિસ્ટમ માટે જોખમ ઊભું કરે છે, નબળી પ્રથાઓ વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએટ વિઝા ધારકોનું શોષણ કરે છે. આ સૂચવે છે કે ચૂંટણી સુધી માર્ગ સલામત છે અને નવી સરકાર તેના ભાવિ માર્ગ અંગે નિર્ણય લેશે.

નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) UKના અધ્યક્ષ સનમ અરોરાએ જણાવ્યું હતું કે “અમે આનંદિત છીએ અને ખૂબ જ રાહત અનુભવીએ છીએ કે યુકે સરકારે ગ્રેજ્યુએટ રૂટ ચાલુ રાખવાનો યોગ્ય નિર્ણય લીધો છે. તે ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે. અમે એ વાતથી પણ ખુશ છીએ કે સરકાર ખોટા એજન્ટો પર ધ્યાન કેન્દ્રિત કરશે.”

LEAVE A REPLY