(PTI Photo)

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોમવારે જણાવ્યું હતું કે રાજકોટમાં આગથી તબાહ થયેલા TRP ગેમ ઝોનમાંથી મળી આવેલા નવ મૃતદેહોની ઓળખ ડીએનએ પૃથ્થકરણ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ દુર્ઘટનાના બે દિવસ પછી પણ મૃતદેહો ન મળતાં પરિવારજનો વલોપાત કરી રહ્યાં છે.

25 મેના રોજ આ મનોરંજન કેન્દ્રમાં લાગેલી ભીષણ આગમાં બાળકો સહિત 27 જેટલા લોકોના મોત થયા હતા. મૃતદેહો ઓળખી શકાય તેવા  ન હોવાથી રાજ્ય સરકાર ડીએનએ પ્રોફાઇલિંગ દ્વારા પીડિતોની ઓળખ કરવા ફોરેન્સિક સાયન્સ લેબની મદદ લીધી છે.

સંઘવીએ ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મુલાકાત લીધી હતી અને જાહેરાત કરી હતી કે અત્યાર સુધીમાં નવ મૃતકોના ડીએનએ નમૂનાઓ તેમના સંબંધીઓના નમૂનાઓ સાથે મેચ કરીને ઓળખી કાઢવામાં આવ્યા છે.

સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે હું એવા પરિવારોના ગુસ્સાને સમજી શકું છું જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. FSL પણ ચોવીસ કલાક કામ કરી રહી છે. સમગ્ર એફએસએલ સ્ટાફે તેમની રજાઓ અને અન્ય મુસાફરીના આયોજનો રદ કર્યા છે, જેથી તમામ નમૂનાઓનું શક્ય તેટલું વહેલું વિશ્લેષણ થઈ શકે.

સંઘવીએ જણાવ્યું હતું કે સળગી ગયેલા મૃતદેહોમાંથી લોહીના નમૂના લેવાનું અશક્ય હોવાથી ફોરેન્સિક નિષ્ણાતોએ મૃતક અને તેમના સંબંધીઓના ડીએનએ સાથે મેચ કરવા માટે હાડકાના નમૂનાઓ એકત્રિત કર્યા છે. “જો રોડ માર્ગે સેમ્પલ ગાંધીનગર લાવવામાં આવ્યા હોત તો લગભગ ચાર કલાક જેટલો સમય લાગત. ડીએનએ મેચિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મુખ્યપ્રધાને એર એમ્બ્યુલન્સ તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. એફએસએલમાં રવિવારે વહેલી સવારે ડીએનએ મેચિંગની પ્રક્રિયા શરૂ થઈ હતી અને 18 ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ત્યારથી 24 કલાક કામ કરી રહી છે જેથી ઓળખ બાદ મૃતદેહો તેમના સંબંધીઓને સોંપી શકાય. આ પ્રક્રિયા લાંબી છે અને તેમાં નવ પગલાંનો સમાવેશ થાય છે. ડીએનએ મેચ કરવા માટે સંબંધીઓના લોહીના નમૂના મૃતકના લોહી અથવા હાડકાના નમૂના સાથે મેચ કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક નમૂનાના વિશ્લેષણમાં લગભગ 48 કલાકનો સમય લાગશે.

 

LEAVE A REPLY